Live : 2 વાગ્યા સુધી કુલ 23% મતદાન, સૌથી ઓછું અમદાવાદમાં નોંધાયુ

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ, પોલીસ કાફલો દોડતો થયો

બપોરના 2 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 16.2 ટકા, ભાવનગરમાં 21.7 ટકા, જામનગરમાં 25 ટકા, રાજકોટમાં 21.6 ટકા, સુરતમાં 21.2 ટકા, વડોદરામાં 20.4 ટકા મતદાન નોંધાયુ છે. ગુજરાતમાં 2 વાગ્યા સુધીમાં સરેરાશ 23 ટકા મતદાન થયુ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગર, નરોડામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઇ હતી. ઘટનાની વિગત એવી છે કે નરોડાના હસપુરા ગામના બુથમાં એક વ્યક્તિ આઇકાર્ડ વિના સવારથી લઇને ઇવીએમની બાજુમાં બેઠો હતો. જેને લઇને સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી નિમણૂંક કરવામાં આવી છે પરંતુ મને હજુ સુધી આઇકાર્ડ મળ્યું નથી. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા આઇકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું અને મામલો શાંત પાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. 

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.

મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્યો છે. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે. મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

સવારે 8 વાગ્યા સુધી કયા કેટલું મતદાન :

અમદાવાદમાં05%, સુરતમાં 03%, વડોદરામાં 1.5%, રાજકોટમાં 02%, ભાવનગમાં 1.5%, જામનગરમાં 01% મતદાન થયું

મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચ મુજબ, 2255 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 1188 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. ગુજરાતમાં આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 ચૂંટણી અધિકારીઓ સત્તાવાર મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત કરાયા છે. તો 63 હજાર 209 પોલિંગ સ્ટાફ, 32 હજાર 263 પોલીસ જવાનો ચૂંટણી કામગીરીમાં રોકાયા છે. 

  • 7.15 કલાકે છાણી ગામની ગંગાબાઈ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 1માં ઈવીએમ મશીન ખોટકાયું. સવાર સવારમાં બૂથ પર પહોંચેલા અનેક મતદારો અટવાયા. હાલ મશીન રિપેરીંગ કામગીરી હાથ ધરાઈ. 
  • 7.12 કલાકે ગુજરાત કોગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ મતદાન કર્યું. તો કેબિનેટ મંત્રી સૌરભ પટેલે મતદાન કરીને મતદારોને બહાર નીકળી મતદાન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, 5 વર્ષ ખાલી સલાહ આપવા કરતા બહાર નીકળી મત આપો. રાજકોટમાં નીતિન ભારદ્વાજે મતદાન કર્યું. કોટેચા ગર્લ સ્કૂલ ખાતે નીતિન ભારદ્વાજે પત્ની સાથે આવીને મતદાન મતદાન કર્યું. 
  • જામનગરમાં રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું. ખોડિયાર કોલોની નજીક આવેલા શિશુવિહાર સ્કૂલ ખાતે પત્ની પ્રફુલ્લ બા અને પુત્ર જગદીશ સિંહ જાડેજા સાથે મતદાન કર્યું.
  • અમદાવાદઃ જુહાપુરાના વિવિધ બુથો પર મતદારો ઉમટ્યા. મકરપુરા વૉર્ડ નંબર ૧૨ ની એવન સ્કૂલ માં EVM મશીન ખોટકાયું.
  • વડોદરા ભાજપ પ્રમુખ ડો વિજય શાહે કેળવણી સ્કુલ ના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું. વડોદરામાં ભાજપ તમામ 76 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
  • રાજકોટમાં ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યું

અમદાવાદમાં એક કલાકમાં 5 ટકા મતદાન થયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડો. કિરિટ સોલંકીએ મતદાન કર્યું હતું. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તે ઉપરાંત યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ હોવાથી મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રની બહાર ઉભા રહીને મતદારો સેલ્ફી લઈ રહ્યાં છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં મતદાનની ગતી ધીમી ચાલી રહી છે. મોટા ભાગે સિનિયર સિટિઝનો મતદાન કરવા માટે આવી રહ્યાં છે. બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નહિ. લાઈનમાં ઉભુ રહેવા પડે છે. નવરંગપુરામાં અનેક દંપત્તિઓએ બાળકો સાથે મતદાન કર્યું છે. શહેરમાં વહેલી સવારે એક કલાકના મતદાનમાં વૃદ્ધો અને યુવાનો મત આપવા આવ્યા હતા. અમદાવાદમાં એક કલાકમાં 5 ટકા મતદાન થયુ છે.

 59 ,  1