ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધશે

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની વકી- હવામાન વિભાગ, બે દિવસમાં તાપમાન વધ્યું પરંતુ હવે ઘટવાની શક્યતા

ડિસેમ્બર મહિનો શરૂ થઇ રહ્યો છે. જો કે, હજુ રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું નથી. બે દિવસ તાપમાન વધતા ઠંડી ઓછી થઇ હોય તે જણાયું હતું. ત્યારે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી ત્રણ દિવસોમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો વધુ ગગડી શકે છે. આ સાથે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસો લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહે છે. ઉપરાંત મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ઠંડા અને સુકા પવન ફૂંકાય છે તેના કારણે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્રણ દિવસ પહેલાં અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ પહોચી જતા સવારે કાતિલ ઠંડી વર્તાઇ હતી. જો કે, સતત બે દિવસથી તાપમાન વધતા ઠંડીનો નહીંવત અહેસાસ થઇ રહ્યો છે. જો કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક વધુ વર્તાય છે. જેના કારણે લોકો તાપણાં કરવા ઉપરાંત સ્વેટર સહિતના ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહીની વચ્ચે દેશભરમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડી દસ વર્ષનો રેકોર્ડ તોડશે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્લી સહિત ઉત્તર ભારતના રાજ્યોએ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાથી ઠંડી વધે તેવી શક્યતા છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 6 ડિગ્રીની આસપાસ જવાની પણ શક્યતા છે.

રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન

અમદાવાદ 19.7
ડીસા 15.4
વડોદરા 19.2
સુરત 20.2
કેશોદ 18.6
રાજકોટ 18.3
ભાવનગર 20
પોરબંદર 19.2
ભૂજ 17
નલિયા 15
સુરેન્દ્રનગર 19
કંડલા 17
ગાંધીનગર 18
વલસાડ 14.5

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર