September 20, 2021
September 20, 2021

ગુજરાતનો તાજ ભૂપેન્દ્ર પટેલના શિરે

આખરે નવા CMનું સસ્પેન્સ ખુલ્યું

ગઈકાલે મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીએ એકાએક રાજીનામુ આપ્યા બાદ આગામી CM કોન હશે તેની અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપ મોવડી મંડળે ફરી ગુજરાતની પ્રજાને સરપ્રાઈઝ આપી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના ખૂબ નજીકના નેતા મનાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 2017માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.

જોકે આ અગાઉ રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વાયુ વેગે વહેતી થઈ હતી. બીજી બાજુ ભાજપે દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CM પદ માટે હુકમનો એક્કો ગણાતા હતા જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં પ્રબળ દાવેદાર હતું.

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાઈ હતી, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ હતી. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે.

 116 ,  2