હાર્દિક પટેલે AAPને ગણાવી ભાજપની “બી” પાર્ટી, ગોપાલ ઈટાલિયાએ કર્યો પલટવાર

હું જ્યાં છું ત્યાં બરાબર છું, મારો હેતુ ગુજરાતના યુવાનોને ન્યાય મળે : હાર્દિક પટેલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે માનહાનીના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીની મુલાકાતથી ગઈકાલથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સુરતમાં ધામા નાંખ્યા હતા. આ સાથે જ રાહુલ ગાંધીના સ્વાગત માટે પહોંચી ગયા હતા.

આ મામલે આજે એરપોર્ટ પર હાર્દિક પટેલે પહેલીવાર આપમાં જોડાવા અંગે તમામ અટકળો પર અંત લાવતા જણાવ્યું હતું કે તે જ્યાં છે ત્યાં બરાબર છે. આમ આદમી પાર્ટીમાં તે નહીં જોડાય. વધુમાં હાર્દિક પટેલે ઉમેર્યું હતું કે ભાજપની નારાજગીનો ફાયદો આપને મળી રહ્યો છે. એટલે કે આપ ભાજપની બી પાર્ટી છે. આપ મતોનું ધ્રુવીકરણ કરીને ભાજપને જ જીતાડવાનું કામ કરી રહી છે.

હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતની જનતાને ભરમાવવા માટે ભાજપ દ્વારા પ્લાન્ટેડ ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. હું જ્યાં છું ત્યાં બરાબર છું, મારો હેતુ ગુજરાતના યુવાનોને ન્યાય મળે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટેનો છે અને તે માટે સતત પ્રયાસ કરતાં રહીશું. 

જોકે આ મામલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ પલટવાર કરતા જણાવ્યું છે કે, ભાજપ સામે નારાજગીનો ફાયદો કોંગ્રેસને થવો જોઈએ પણ તેની જગ્યાએ આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરતાં હોય તો તે કોંગ્રેસ માટે શરમજનક કહેવાય. હાર્દિકના નિવેદન બાબતે તેમણે ઉમેર્યું હતું કે તે રાહુલ ગાંધીને સારું લગાડવા અને કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષની જગ્યા મેળવવા આ નિવેદન કરાઈ રહ્યા છે. જોકે આમ આદમી પાર્ટી સામે બોલવાથી નુકશાન તેમને જ છે.

વધુમાં ગોપાલ ઈટાલિયાએ ઉમેર્યું હતું કે મનીષ સીસોદીયાનો કાર્યક્રમ આગામી દિવસોમાં ફરી નક્કી થશે. માત્ર સુરતમાં જ નહીં ગુજરાતમાં નવાજુની થશે. તેઓએ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ ઉમેરી દીધું છે.

 122 ,  2