હર્ષદ મહેતા આજે પણ મોદી – ચોકસીના રૂપમાં હયાત છે અને હજુ બીજા રૂપમાં આવશે…!!

1992ના બિગબુલ કૌભાંડી પર 2020માં બની ફિલ્મ….

હર્ષદે તે વખતના વડાપ્રધાન પર એક કરોડ આપ્યાનો આરોપ મૂક્યો હતો…

15 હજાર ચોરસફૂટના વિશાળ મહેલમાં રહેનાર હર્ષદ હયાત નથી પણ ઘણાં માટે તે પ્રેરણાસ્વરૂપ છે….

નિરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા આ બધાએ હર્ષદની જેમ બેંકોને નિશાન બનાવી…

1 કરોડ માટે 100-100ની મોટી નોટો એક બેગમાં ભરીએ તો કેટલુ વજન થાય…?!

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ભારતે 1990માં વૈશ્વિક આર્થિક ઉદારીકરણની પોલીસી અપનાવ્યાને માંડ બે વર્ષ ના થયા અને હર્ષદ મહેતાનો શેરબજારમાં ઉદય થયો. શેર બજારમાં ગુજરાતીઓ અગ્રેસર છે તેમ હર્ષદે પણ શેરોમાં નશીબ અજમાવ્યું અને બેંકીંગ સીસ્ટમમાં રહેલી ખામીઓ તથા લોભિયા-લાલચુડા અધિકારીઓની મદદથી તે શેર બજારનો રાજા બન્યો.

તે ફિલ્મ કલાકારોની જેમ વૈભવશાળી જીવન જીવવા લાગ્યો. 15 હજાર ચોરસફૂટના વિશાળ મહેલ જેવા ઘરમાં રહેવા લાગ્યો હતો. શેરબજારમાં લાલચોળ તેજી હર્ષદના કારણે આવી હતી. પરંતુ ગણતરીના મહિનાઓમાં હ.મો.નો ફૂગ્ગો ફૂટી ગયો અને એક કૌભાંડી તરીકે તે બહાર આવ્યો અને જોતજોતામાં શેરબજારનો બિગબુલ ભીગી બિલ્લી બની ગયો અને તેની સામે બેંક અને શેબજારને લૂંટવાના 27 ગુનાઓ નોંધાયા અને 47 વર્ષની ઉંમરે 2001માં હાર્ટએટેકમાં તેણે શેરબજારના રંગમંચ પરથી ચીર વિદાય લીધી ત્યાં સુધીમાં તે 4 ગુનામાં દોષિત સાબિત થયો હતો. પરંતુ વધુ સમય જેલની સજા ભોગવવાના બદલે નિધન પામ્યો પણ તે હજુ કેતના પારેખ, નિરવ મોદી-મેહુલ ચોકસીના રૂપમાં હયાત છે રીયલ લાઇફની જેમ રીલ લાઇફમાં આવી ગયો છે….!!

બોલીવુડમાં હર્ષદ મહેતા જેવા કૌભાંડીઓ અને માફિયા ડોન પર ફિલ્મો બનાવવાની જબરી ઘેલછા છે. ફિલ્મ દિવારમાં અમિતાભનો કુલીનો રોલ હાજી મસ્તાનના જીવન પર આધારિત હોવાનું મનાય છે. અરૂણ ગવળી પર ફિલ્મ બની છે. રાજકિય મહાનુભાવોમાં બાલ ઠાકરે પર ફિલ્મ બની છે. મુંબઇના નાના મોટા ભાઇલોગ કે માફિયાઓને ધ્યાનમાં રાખીને અગ્નિપથ ફિલ્મ બે વાર બની છે. એકમાં અમિતાભ અને બીજામાં હૃતિક રોશને કામ કર્યું છે. બન્ને હિટ….

હર્ષદ મહેતા ઉપર પણ ફિલ્મ બની શકે એવું વિચારીને બોલીવુડમાં “સ્કેમ 1992 હર્ષદ મહેતા” એ નામથી ફિલ્મ બની છે અને હર્ષદ મહેતાના પાત્રને રિયલ બનાવવા તેની ભૂમિકા માટે ગુજરાતી પણ નવા કલાકારની પસંદગી કરવામાં આવી. 2020માં 1992નો કૌભાંડ પર આધારિત ફિલ્મમાં લોકોને એટલા માટે પણ રસ હોઇ શકે કેમ કે તેમાં એક ડ્રામા તત્વ એ પણ છે કે એ વખતે જૈન ગુજરાતી એવા હર્ષદ મહેતાએ તે વખતના વડાપ્રધાન પી.વી. નરસિંહરાવને કેસમાંથી છૂટવા એક કરોડ રૂપિયા બેગમાં ભરીને પોતે રૂબરૂ આપ્યાનો દાવો કરીને રાજકિય સનસનાટી મચાવી હતી……..આજે બન્ને હયાત નથી.

તે વખતે લગભગ 500-1000ની નોટો ચલણમાં નહોતી. અને 100 રૂપિયાની કેટલી નોટો એક કરોડમાં આવે અને તેનું કેટલુ વજન થાય એવી સ્ટોરી પણ કેટલાકે અખબારોમાં પ્રસિધ્ધ કરી હતા. હ.મો.ના વકીલ રામ જેઠમલાણીએ હ.મો.ને સાથે રાખીને પત્રકાર પરિષદમાં આ પ્રકારનો આરોપ વડાપ્રધાન સામે કર્યો ત્યારે રાજકિય હલચલ મચી હતી. 100 રૂપિયાની એક નોટનું કેટલું વજન થાય અને 1 કરોડમાં કેટલી નોટો અને તેનું જે કુલ વજનની ગણતરી કરવામાં આવી ત્યારે મિડિયાએ સવાલ પણ કર્યો કે જો એક કરોડ માટે એક બેગમાં 100 રૂપિયાની નોટો જેટલી મૂકવામાં આવે તો તેવું વજન અને બેગનું કદ એટલુ થાય કે હર્ષદ મહેતા તે એકલો ઉંચકી જ ના શકે….!! અને કઇ રીતે જાતે ઉંચકીને વડાપ્રધાનને આપવા ગયો હશે….

નોટોનું વજન અને બેગના કદની સ્ટોરી એટલા માટે પ્રસિધ્ધ થઇ હતી કેમ કે હ.મો.એ એવો દાવો કર્યો હતો કે તેમણે 100 રૂપિયાની નોટો ભરેલી 1 કરોડની બેગ જાતે ઉંચકીને પોતે જ રૂબરૂ વડાપ્રધાનને આપી હતી….અને મિડિયાએ ગણતરી કરીને કહ્યું હતુ કે એ બેગનું વજન અને કદ મોટુ હશે. જે કોઇ સામાન્ય વ્યક્તિ ઉંચકી ના શકે.. બની શકે કે હ.મો.એ પોતે બચવા માટે વડાપ્રધાન સામે આરોપ મૂકીને તેને રાજકિય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હોય.

હર્ષદ મહેતાના શેરબજારના કૌભાંડનો સિલસિલો તે પછી કેતન પારેખે ચાલુ રાખ્યો અને તેણે પણ એક સહકારી બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તે નાણાં શેરબજારમાં લગાવીને દેવાળુ ફૂંક્યું અને તેની સાથે પેલી બેંક પણ ડૂબી ગઇ…

1999થી 2001 સુધી તેણે શેરબજારમાં હ.મો.ની જેમ ઉથલપાથલ મચાવી બીજાના પૈસે તાગડધિન્ના કર્યા અને જેલ ભોગવીને કદાજ એશો-આરામની લાઇફ જીવી રહ્યો હશે, પણ તેના કારણે જે બેંક ડૂબી તે ગુજરાતની જાણીતી માધવપુરા મર્કેન્ટાઇલ કો.ઓ. બેંકની સાથે બીજી ઘણી સહકારી નાની બેંકો પણ ડૂબી ગઇ અને તે વખતે જાણે કે રોજ એક બેંક ડૂબી રહ્યાંના સમાચારો આવતા હતા. કેપીના નામે ઓળખાતો કેતન પારેખ શોરબજારમાં રમી રહ્યો છે પણ તેણે જે બેંકોને ડૂબાડી તેની રમતો પૂરી થઇ ગઇ….

હ.મો. અને કે.પી.ના બેંકિંગ કૌભાંડો છતાં બેંકવાળા જાણે સુધરતા ના હોય તેમ નિરવ મોદી અને મેહુલ ચોકસીને 13 હજાર કરોડની લોન કોના બાપની દિવાળી,,,,,સમજીને દાનની સરવાણી વહેવડાવતાં હોય તેમ આપ્યે જ રાખી અને બન્ને હાથે લૂટીને નિ.મો તથા મે.ચો.ની ચાચા-ભતીજા કે મામા-ભાંજાની જોડી પીએનબી બેંકમાંથી લીધેલી લોનના પૈસે વિદેશમાં એ…ય… આરામ કરી રહ્યાં છે. મે.ચો.એ તો એક એવા દેશનું નાગરિકત્વ આ જ લોનના પૈસેથી લીધુ છે કે ભારતમાં વિદેશ વિભાગ સિવાય બીજા કોઇ ભાગ્યે જ નામ જાણતા હશે…

એન્ટીગુઆ નામના કોઇ દેશમાં એક લાખ અમેરિકન ડોલરનું રોકાણ કરીને મે.ચો.એ ત્યાનું નાગરિકત્વ મેળવીને પોતાની ધરપકડ સામે સરસ મજાનું કવચ ધારણ કરી લીધુ છે તો નિ.મો. લંડનમાં કોર્ટમાં ભારત સરકારને પડકારી રહ્યો છે. આ બન્ને જણાંએ બેંકિંગ સેક્ટરમાં લોન માટેના નિયમોમાં રહેલી ખામીઓ અને લોભિયા અધિકારીઓને સાથે રાખીને એવુ મસ્ત મસ્ત કૌભાંડ કર્યું કે તેમના કૌભાંડમાં સામેલ પીએનબીના કોઇ અધિકારીને હજુ સજા થઇ નથી. એમનું શું ગયું….? કરોડો રૂપિયા ગયા તો ડિપોઝીટરોના અને તેમને ખાતરી આપીને એ લોન એનપીએ થઇ ગઇ…માંડવાળ….પાછા મળી શકે તેમ નથી તેવા નાણાંની યાદીમાં નિ.મો-મે.ચો.ની લોન ગોઠવાઇ ગઇ….

હર્ષદ મહેતાએ સેબી અને તે વખતના બેંકના લોનના નિયમોનો ગેરલાભ કેટલાક લાંચિયાઓની મદદથી કરોડો કરોડો લઇને શેર બજારમાં રોક્યા, બજારમાં તેજી જ તેજી અને પછી….એમ્પાયર ધડામ….!!

મુંબઇમાં પોશ એરિયામાં 15 હજાર ચોરસફૂટના બંગલામાં એશોઆરામ ભોગવવા માટે આજે હર્ષદ મહેતા હયાત નથી. પણ તેમાંથી શીખીને દલાલ સ્ટ્રીટને ધમરોળનાર કેતન પારેખ હયાત છે….નિંમો,-મે.ચો.ની જેમ વિજય માલ્યા પણ ભારતની બેંકોને સરસમજાની પટ્ટી પઢાવીને વિદેશમાં મોજ કરે છે. હર્ષદ મહેતા હયાત નથી પણ તે કે.પી. , નિમો, મે.ચો. અને વિ.મા.ના સ્વરૂપમાં ભારતની બેંકોમાં લાંચિયા અને લોભિયા અધિકારીઓની સાથે સંપર્કમાં હોય તેમ હજુ વધુ બેંક કૌભાંડો બહાર આવશે અને હર્ષદ મહેતાની જેમ તેમના ઉપર પણ કોઇ આવનાર સમયમાં ફિલ્મ બનાવશે ત્યારે આ બધા બેંકિયા હિરોનો ઉલ્લેખ થશે….!!!

આવા કૌભાંડીઓને અર્પણ…..આ ગીત….

સો બાર જન્મ લેંગે..હર બાર જન્મ લેંગે

એ જાને વફા મેરી બેંક..હમ તુમ ના જુદા હોંગે….

મજા તો એ છે કે જે ફિલ્મનું આ ગીત છે તે ફિલ્મનું નામ છે- ઉસ્તાદો કે ઉસ્તાદ….!!

-દિનેશ રજપૂત

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર