વિશ્વભરની દરિયાઈ સૃષ્ટિને નિહાળવી છે..? ચલો, સાયન્સ સીટી…!

વડાપ્રધાન દ્વારા એક્વેટિક ગેલેરીનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા

શહેરના સાયન્સ સિટીમાં દેશનું બીજું સૌથી મોટું એક્વેરિયમ બનીને તૈયાર થઈ ગયું છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવેદનમાં આ અંગે વાત કરીને વડાપ્રધાન દ્વારા એક્વેટિક ગેલેરીનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. એક્વેરિયમ બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે હવે અમદાવાદીઓ રજામાં ઘર આંગણે જ દુનિયાભરની દરિયાઈ સૃષ્ટિ નિહાળીને જ્ઞાન મેળવવાનો લ્હાવો લઈ શકશે.

એક્વેટિક ગેલેરી બનાવવામાં મદદ કરનાર ન્યૂઝીલેન્ડની મરિનસ્કેપ કંપની દ્વારા આ ગેલેરીની કાળજી રાખવા ટીમ સાયન્સ સિટી ખાતે મોકલામાં આવી છે. જેમાં ડાયવર્સ અને ડોક્ટર્સ સહિતના નિષ્ણાત છે. તેઓ પાંચ વર્ષ સુધી ગેલેરીની સંભાળ રાખશે અને બાદમાં સ્થાનિકોને કામ માટેની તાલીમ અપાશે.

એક્વેટિક ગેલેરીની વિશેષતાઓમાં જોઇએ તો…

 • 40 લાખ લિટર પાણીથી બનેલી આ ગેલેરી પાછળ 260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે
 • ગેલેરીમાં ત્રણ પ્રકારની માછલીઓ રાખવામાં આવી છે-તાજુ પાણી, દરિયાઈ પ્રાણી અને સેન્દ્રિય પ્રાણી
 • આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12 હજાર જેટલી માછલીઓ જોઈ શકાશે.
 • અહીં માછલીઓની અનુકૂળ તાસીર અને જરૂરિયાત મુજબ જે-તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખી નારું કે સેન્દ્રિય પાણી બનાવીને નવું પાણી ઉમેરવામાં આવે છે.
 • દરેક ટેન્કની પાછળ સ્વયં સંચાલિત સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીનું સતત અવલોકન કરે છે.
 • આ એક્વેટિક ગેલેરી છ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેઈન શાર્ક ટેન્ક
 • બાકીની ટેન્કમાં બાજુમાથી પસાર થતાં જોઈ શકાશે, જ્યારે શાર્ક ટેન્કમાં તમે 27 મીટર લાંબી ટનલમાંથી ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ તરતી હોય તેવી થીમ સાથે એક્વેરિયમની ટનલમાંથી પસાર થઈ શકશો
 • આ ટેન્કમાં 11 પ્રકારની શાર્ક જોઈ શકાશે
 • અન્ય ટનલમાં પણ જે-તે ઝોનની માછલીઓ મુજબ તેની થીમ ડિઝાઈન કરવામાં આવી છે
 • આગામી સમયમાં કોરોના અને બર્ડ ફ્લૂની સ્થિતિ હળવી થતાં સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ આ ગેલેરીમાં સમાવાશે
 • દરેક પ્રદેશમાંથી આવતી માછલીઓ માટે ક્વોરન્ટિન ઝોન બનાવવામાં આવ્યા છે. જે વિવિધ દેશોમાંથી વિમાનમાર્ગે અહીં પહોંચ્યા બાદ અહીંના વાતાવરણમાં અનુકૂળતા સાધી લે બાદમાં આ ઝોનમાંથી ટેન્કમાં લાવવામાં આવશે.

 165 ,  3