વડોદરામાં બુટલેગર પાસેથી 20 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયા

દારૂનો ધંધો ચાલું રાખવા લાંચિયા પોલીસકર્મીએ માંગ્યા હતા 20 હજાર

વડોદરામાં વારસીયા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ 20 હજારની લામચ લેતા ACB ટ્રેપમાં ફસાયા છે. હેડ કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલુ રાખવા બુટલેગર પાસે લાંચ માંગી હતી. જો કે બુટલેગર લાંચની રકમ આપવા તૈયાર નહતો અને આ અંગે ACBનો સંપર્ક કર્યો હતો.

વિગત મુજબ, હરણી રોડ પર આવેલા ધવલ ચાર રસ્તા પાસે જે.પી. વાડીબાગની સામે સવાદ ક્વાટર્સમાં રાકેશ બાબુભાઈ રાજપૂત દારૂનો ધંધો કરતો હતો. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ કરસનભાઈ ગુડલીયાએ રૂપિયા 20 હજાર લાચની માગણી કરી હતી.

બુટલેગર રાકેશ રાજપૂત જમાદારને લાંચ આપવા માગતો ન હતો. જેથી તેને છોટાઉદેપુર ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે છોટાઉદેપુર ACBના પી.આઇ. ડી. જી. રબારીએ આપની મદદ લઇને મોડી સાંજે બુટલેગર રાકેશ રાજપૂતના ઘરની સામે આવેલ ગ્રાઉન્ડમાં છટકાનું આયોજન કર્યું હતું. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ રાકેશ રાજપૂતે જમાદાર જગદીશ ગુડલીયાને પોતાના ઘર પાસે રૂપિયા 20 હજાર લેવા માટે બોલાવ્યો હતો.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયા 20 હજાર રૂપિયા લેતાં રંગેહાથ ACBની ટ્રેપમાં ફસાયા હતા. તો બીજી તરફ વારસિયા પોલીસ મથકના જમાદાર જગદીશ ગુડલીયા રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. હાલ આ મામલે ACBએ લાંચિયા પોલીસકર્મીની અચકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 243 ,  1