ગુજરાતમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની આરોગ્યમંત્રીની સ્પષ્ટ ના

અનેક લોકો કેન્દ્રની કોરોનાથી મૃત્યુ પર 50 હજારની સહાયથી રહેશે વંચિત

સૌ કોઈ લોકો જાણે છે કે કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. પ્રથમ લહેર કરતા બીજી લહેર ઘાતક નીવડી હતી અને તેમાં મૃત્યુઆંકમાં પણ અચાનક વધારો થયો હતો. ત્યારે હવે અનેક વિરોધ બાદ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ માટે ડેથ સર્ટિમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ જરૂરી છે.

ત્યારે આ મામલે આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસને આપેલા જવાબમાં આરોગ્યમંત્રીએ ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કહેવાતી ગુજરાતની સંવેદનશીલ સરકારના આ નિર્ણયને પગલે હવે લોકો આ સહાય મેળવવા પાત્ર રહેતી નથી.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા. જોકે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ બીમારી દર્શાવવામાં આવ્યું. આ અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે જોકે સરકાર કોઈપણ ભોગે કોરોનાથી મોત એમ લખવા માટે તૈયાર નથી.

કેન્દ્રએ 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોરોનાથી થયેલા મૃત્યુ પર પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. જોકે તેની સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વળતર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને આ માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત રહેશે.

સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજન પાસે આના કોઈ પુરાવા નથી. તેથી જ મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુનો સમાવેશ કરવામાં આવે. કોર્ટે આના પર કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુની તારીખ અને કારણ સામેલ હોવાં જોઈએ તેમજ જો પરિવાર સંતુષ્ટ ન હોય તો એનું નિવારણ કરવા માટે અલગ વ્યવસ્થા પણ હોવી જોઈએ.

ત્યારે હવે મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતના લોકોએ સરકાર દ્વારા મળનારી સહાય માટે ભવિષ્યમાં બનનારી કમિટી સમક્ષ તેમના સ્વજન કોરોના કે કો-મોર્બિડિટી અને સંયોગીય બાબતો સાબિત કરવી પડશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી