દિલ્હીમાં ગરમીએ તોડ્યો 90 વર્ષનો રેકોર્ડ

ઉત્તર ભારતમાં ભારે ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

દેશની રાજધાની દિલ્હીમાં ગરમીએ 90 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા અમુક દિવસથી પ્રંચડ લૂનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં ભારે ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિલ્હીના મંગેશપુરમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નજફગઢમાં 44 ડિગ્રી તામમાન રહ્યું હતું. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

દિલ્હીમાં કાળઝાળ ગરમીના પગલે બપોરે જ નહીં સવારે અને રાતે પણ લૂ લાગી રહી છે જેના કારણે ભારતીય હવામાન વિભાગે રાજધાનીમાં હિટવેવની ઘોષણા કરી છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.

 43 ,  1