September 26, 2022
September 26, 2022

દ.ગુજરાતમાં મેઘમહેર, વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફલો થઈ છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીમા ભરાયાં છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી કે, આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના આંકડા આ મુજબ છે. જેમાં ઉમરગામ તાલુકામાં 3.85 ઈંચ, કપરાડા તાલુકામાં 8.46 ઈંચ, ધરમપુર તાલુકામાં 7.67 ઈંચ, પારડી તાલુકામાં 5.62 ઈંચ, વલસાડ તાલુકામાં 8.22 ઈંચ અને વાપી તાલુકામાં 7.59 ઈંચ વરસાદ નોંધાયો છે

તો આ તરફ વડોદરા શહેરની વાત કરીએ તો ડભોઇ ખાતે રાત્રી દરમિયાન સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ડભોઇ નગરની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. એટલું જ નહીં કેટલાક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા. જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું હતું. ગત રાત્રીથી વરસેલા વરસાદને લઇને ગુજરાતની તમામ જગ્યાઓ પર પાણી પાણી થઇ ગયા છે. ત્યારે બીજી તરફ વડોદરાના ડભોઇ ખાતે આવેલ સોસાયટીઓમાં પાણી ભરવાની ઘટનાઓ સામે આવતા નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી