ગુજરાત જળમગ્ન ! ક્યાંક મહેર તો ક્યાંક કહેર…

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ ભારે વરસાદ થયો છે અનેક ગામો ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા થઇ ગયા છે રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડતાં જનજીવનને માઠી અસર પહોંચી છે.કચ્છમાં બેથી ૭ ઇંચ સુધી વરસાદ પડયો હતો. જેમાં ભુજ, નખત્રાણા, માંડવી, લખપત, રાપર, ભચાઉ, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર અને અબડાસામાં પાણી વહ્યા હતા. ગાંધીધામમાં ૧૦ ઇંચ વરસાદ પડયો હતો. રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ૭૭.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે.

વરસાદ ક્યાંક મહેર તો ક્યાંક કહેર પણ સાબિત થયો છે. ભારે વરસાદ બાદ રાજ્યમાં ૮ દૂર્ઘટનામાં ૨૭ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. નડીયાદમાં કપડવંજ રોડ ઉપર પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટના ત્રણ બ્લોક ધરાશાયી થતાં ચાર જણાનાં મોત નીપજ્યાં હતા. ધ્રાંગધ્રાના વાવડી મોટી માલવણ ગામ વચ્ચેની નદીમાં ટ્રેક્ટર ફસાતાં ૭નાં મોત, ચારને બચાવાયા હતા. મોરબીમાં કામધેનુ પાર્ટીપ્લોટ પાસે દીવાલ ઝૂંપડી ઉપર પડતાં ૮ વ્યક્તિનાં, અમદાવાદના બોપલમાં નિસર્ગ બંગલાની દીવાલ પડતાં દટાઈ જવાથી ચાર જણાંનાં અને વડોદરાના કલાલીમાં નીંદ્રાધીન વૃદ્વ ઉપર પાડોશીની મકાનની જર્જરિત દીવાલ પડતાં મોત નિપજ્યું હતું. પાદરામાં દીવાલ પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. તો તો આ તરફ મોરબીમાં ગઇ કાલે એક દુર્ઘટના સર્જાતા દિવાલ તૂટી પડતા આદિવાસી પરિવારના બે પુરૂષો, મહિલાઓ, બાળકો સહિત ૮ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

૧૫ જૂનથી શરૂ થયેલા ચોમાસામાં શનિવાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ ૭૮ % થયો હોવા છતાંયે સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા ૭૭ ડેમમાં નવુ પાણી આવ્યુ નથી. સરદાર સરોવરમાં સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૭ % પાણીનું સ્તર જાળવી રાખીને હાલમાં નર્મદામાં પાણી છોડવામાં આવી રહ્યુ છે પરંતુ, આ યોજના પછી ગુજરાતમાં સૌથી મોટી ધરોઈ સિંચાઈ યોજનામાં માત્ર ૨૦.૯૪ %, સીપુમાં ૧૦ %, હાથમતીમાં ૧૨.૧૮ % એમ ૧૭ મોટા ડેમ પૈકી ૭માં ૨૦ %થી પણ ઓછા પાણીનો સંગ્રહ થઈ શક્યો છે !

જો કે, કડાણા, ઉકાઈ, સુખી, પાનમ જેવા ડેમમાં પાણીઓ આવરો વધતા દરવાજા ખુલ્લા મુકી દેવાયા છે. આમ, ગુજરાતમાં કુલ ૨૦૪ ડેમ પૈકી ૧૦૦ % ભરાયેલા ૧૭ સહિત ૨૭ ડેમમાં જળબંબાકાર હોવાનું રાજ્ય સરકારે દૈનિક પૂર અહેવાલમાં નોંધ્યુ છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી