મુંબઇ તરફ જતા પહેલા ચેક કરજો હવામાન…

આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી

મુંબઈમાં શુક્રવારે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુશ્કેલીના વરસાદને કારણે, મુંબઈ એરપોર્ટનો રનવે પણ વરસાદી પાણીથી છલકાઇ ગયો હતો જેને કારણે, ફ્લાઈટના શેડ્યુલમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી. ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મુંબઇમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદની સંભાવના છે.ત્યારે આફતના વરસાદનેધ્યાનમાં રાખીને શહેરના ચોક્કસ વિસ્તારોને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત થાણે અને રાયગઢ માટે પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં જ મુંબઈમાં લગભગ 302 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતા 77% જેટલો વધુ છે. શહેરમાં ભારે વરસાદને BMC એ લોકોને નિચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. ભારે વરસાદને પગલે શહેરના સાયનના ગાંધી માર્કટમાં નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.બીજી તરફ, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની બસોના રૂટ પણ બદલી નાખ્યા હતા.ઉપરાંત, શહેરના હાર્બર લાઇન ઉપર દોડતી લોકલ ટ્રેન સેવાને પણ વરસાદની અસર થઈ હતી.જેને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખીને મુંબઈ સહિત થાણે અને રાયગઢમાં પણ ઓરેન્જ એલર્ટની ચેતવણીમાં ફેરફાર કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના નિષ્ણાંત આર.કે. જેનમાનીએ જણાવ્યું હતું કે, “મુંબઇમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.”

હવામાન વિભાગના જણાવ્યા મુજબ,મુંબઈ શહેરના મીરા રોડમાં 73 મીમી, જુહુ 136 મીમી, મહાલક્ષ્મી 56.5 મીમી, સાન્ટા ક્રુઝમાં 25.1, બાંદારમાં 141 મીમી, ભાયંદરમાં 53 મીમી અને દહિસરમાં 76.5 મીમી વરસાદ નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, મુંબઈમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, જો વધારે વરસાદ થશે તો સ્થિતિ વધારે વણસે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.

 11 ,  1