હે 2022, અમી ભરેલી નજરૂ રાખજો.. વાઇરસનો નાશ કરજો..!!

નવુ વર્ષ આમતેમ ડોકિયા કરે છે-આવુ..? ના આવુ..? આવુ…

નવા વર્ષમાં કયો ક્રોન આવશે-ટોમિક્રોન..?! ઓહ નો..

બધુ નોર્મલ થઇ જાય તો 2022 હું તને પહેલી ધારનો..

કાશ.. નવા વર્ષમાં વાઇરસ એમ કહે-મૈ તો ચલા..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

જાણીતા ગઝલકાર ગની દહીવાલાની ખૂબ સારી પંકતિઓ છે- દિવસો જુદાઇના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઇ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી..તેને જરા આમ કહીએ તો…

દિવસો કોરોનાના જાય છે એ જશે જરૂર નોર્મલ સુધી…, મારો હાથ ઝાલીને લઇ જશે વાઇરસ દિલના બાગ સુધી…અને કહેશે- જા મોજ કરો મૈં તો ચલા…! કાશ ઐસા હોતા…કાશ ઐસા હોગા…શું ખરેખર એવુ થશે…કેમ કે 21મી સદીના બીજા દાયકાનુ પહેલુ વર્ષ એટલે કે 2021 ધીરે…ધીરે…કાળની ગર્તામાં સરકી રહ્યું છે અને નવુ વર્ષ 2022 બાળક ગર્ભમાંથી બહાર આવવા ડોક્યુ કરે તેમ આમ તેમ નજર ઘૂમાવીને આવુ..ના આવુ…આવુ ના આવુ…ની જેમ કરી રહ્યું છે પણ આના હી હોગા તુઝે આના હી હોગા..ની જેમ 2022નું નવુ વર્ષ આવ્યુ જ સમજો અને તેની સાથે ક્રોન..ક્રોન…ઓમિક્રોન પણ.!

2019માં રોના ધોના કોરોનાનું આગમન થયું. આગમન થયુ કરતાં ધકેલવામાં આવ્યું…ચીનની મજબૂત દિવાલોની પેલે પારથી અને જોત જોતામાં જ્યાં જ્યાં નજર મારી ફરે..ની જેમ જ્યાં જ્યાં માનવી ફરે…તેમ કોરોના તેની સાથે શહેર..શહેર…ગલી..ગલી..અને પછી ગોમે ગોમે..પહોંચી ગયો..! લોકડાઉનના કપરા કાળમાંથી ભારત અને દુનિયા માંડ બહાર આવી..અને રસીકરણ શરૂ થયુ…ભારે વિદાયમાન વર્ષ 2021માં 100 કરોડ રસીના ડોઝ લગાવ્યાનો રેકોર્ડ બનાવ્યો. છતાં ગુજરાતમાં હજુ ઘણાં સમુદાયો અને લોકો એવા છે કે જે એમ કહે છે કે, ના હું તો રસી ના મેકાઉ…મુને કાંઇ નો થાય..!!

2021માં જેઓ ગુજરાતમાં અને ભારતના હજારો ગામડાઓમાં આવી માનસિકતા રાખીને રસી ન લેતા હોય તેમને પકડી પકડીને રસી આપવી પડે તેમ છે. કેમ કે તબીબોના મતે વર્તમાન કોરોના કાળમાં રસી વગરના લોકો પોતે એક જોખમ છે અને તે બીજાનો જાન પણ જોખમમાં મૂકી રહ્યાં છે. બે ડોઝવાળાઓને નવા વર્ષમાં બુસ્ટર ડોઝ આપવો જોઇએ જેથી એન્ટીબોડી જળવાઇ રહે અને તેઓ પણ બે હજાર બાવીસ..હું તો હવે નાચીશ…કહીને નાચગાન કરી શકે.

અલબત થર્ટી ફર્સ્ર્ટની ઉજવણી કલબોમાં, રિસોર્ટમાં કે જહેર રસ્તાને બદલે ઘરમાં..ચાલી.. મહોલ્લામાં ઉજવાય તો ગુડ ગુડ…નહીં તો બેડ…બેડ..અને હોસ્પિટલોમાં બેડ ના મળે એવી ગંભીર પરિસ્થિતિ ના સર્જાય તે સરકાર કરતાં લોકોના હાથમાં છે. સરકારે ઓક્સીજન પ્લાન્ટ સ્થાપીને એવી વ્યવસ્થા કરી છે કે કોઇને ઓક્સીજન વગર હેરાન ન થવુ પડે. પણ બે હજાર બાવીસના નવા વર્ષમાં એવી સ્થિતિનું નિર્માણ જ થવુ ન જોઇએ અને નવા વર્ષમાં અર્થતંત્ર ધબકતુ રહે, વેપાર-ધંધો-રોજગાર-કારોબાર-હરવુ-ફરવુ-પ્રવાસ..એમ બધુ કોરોના કાળ પહેલાની જેમ નોર્મલ..નોર્મલ…થઇ જાય તો હે, બેહજાર બાવીસ હું તને પહેલી ધારનો…ના ના ગુજરાતમાં તો નશાબંધી છે એટલે પહલી ધારનો તો નહીં પણ સેનેટાઇઝરની ધાર ચડાવીશ…!

સેનેટાઇઝરથી યાદ આવ્યુ કે હે…2022, શું તારા આખા 365 દિવસના વર્ષમાં પણ અમારે ધોતે રહે…હાથ સાાફ કરતે રહો…દો ગજ કી દૂરી, હૈ જરૂરી…માસ્ક પહન કે રખીયે..ના નિયમોનું પાલન કરતા રહેવુ પડશે..? યે ભી કબ તક…? 2021 પુરુ થતાં થતાં ઓમિક્રોનની એન્ટ્રી થઇ અને તારા 2022ના વર્ષમાં વળી કોઇ ટોમિક્રોન…સોનીક્રોન…એવુ કાંઇ ના લાલશો બાપા…દુનિયા આખી થાકી ગઇ છે વાઇરસ વાઇરસ રમતા રમતા…! એક વાઇરસ માંડ શાંત થાય કે તરત વળી દુનિયાના ખૂણેથી અવાજ આવે- નવો વેરીઅન્ટ મળી આવ્યો…! અને પાછા બોલે એ રીતે કે જાણે ખજાનો મળી આવ્યો હોય…!

2021માં કોરોનાની બીજી લહેરમાં ભલભલાના ખજાના ખાલી થઇ ગયા, કેટલાય લોકો ખજાનો હોવા છતાં સિધાવી ગયા…ઓકસીજન માટે ભટકતા લોકોના અને ઓક્સીજનના અભાવે નિધન પામેલ વ્યક્તિના પરિવારજનો દ્વારા વહીવટીતંત્ર પર ટીવી મિડિયાના કેમેરાની સામે ગાળ આપીને ગુસ્સો ઠાલવતા દ્રશ્યો 2021એ બતાવ્યા, કોરોનાથી બચાવનાર રેમડેસિવર નામના ઇંજેકશનમાં મીઠાનુ પાણી ભરીને કાળા બજારમાં વેચીને રાતોરાત માલામાલ થનારાઓ જોયા, તેમને પોલીસ લોકઅપમાં જોયા, બેડ માટે મંત્રીઓની આઇપીએસ-આઇએએસની ભલામણોના સંવાદો સાંભળવા મળ્યા છતાં બેડ ન મળી હોય તો તેમનું શું થયુ…એ પણ વિદાયમાન વર્ષે બતાવીને ચેતવણી આપી છે કે જો નહીં સુધરો તો મારૂ અધુરૂ કામ 2022ને આપતો જઇશ…!!

પ્રિય, ડિયર, મારા વ્હાલા.. બે હજાર બાવીસ, અમી ભરેલી નજરૂ રાખજો.. કોરોનાને દૂર રાખજો..રસીકરણ ચાલુ રાખજો..ત્રીજી લહેરને આઘી રાખજો..દયા કરજો..અને ઉલટા ચશ્મામાં દયા પાછી આવે એવુ કરજો.. હે મા.. મા..તા.. જી…! ‘ ટપુ કે પાપા, મૈ ક્યા કહતી હું કી.. બાય બાય બે હજાર એક-વીસ…, ભલે પધાર્યા બે હજાર બા-વીસ…

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી