હે, ગુજરાત….., તારી સંવેદના મરી પરવારી તો નથી ને…? આ વાંચીને આંસુ નિકળી પડશે આંખમાંથી…!

વાતને આમતેમ ફેરવીને રજૂ કરવાને બદલે ગરવી ગુજરાત સાથે સીધેસીધી વાત કરીએ-

હે ગુજરાત, શું તને યાદ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 4 વર્ષની બાળકી પર રેપ થયો હતો…? યાદ નથી ને, ભલે. કોઇ કારણોસર અને વિવિધ બાબતોમાં વ્યસ્તતાને કારણે આ ઘટના ભૂલાઇ ગઇ હશે.

પણ હે ગુજરાત…

તારી સંવેદના મરી પરવારી હોય તો તને યાદ કરાવુ કે જે નિર્દોષ બાળકી હેવાનિયતનો ભોગ બની તેની હાલત કેવી છે…….

આ માસુમ બાળકી છેલ્લાં બે વર્ષ એટલે કે છેલ્લાં 700 દિવસથી હોસ્પિટલમાં બિછાના પર પડેલી છે..લોકોને કોરોનામાં 7 કે 10 દિવસ હોસ્પિટલમાં રહેવાનું ભારે પડે છે ત્યારે આ માસુમ 700-700 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેછળ છે…!!

હેવાને તેની એવી હાલત કરી નાંખી હતી કે આ ઘટના પછી તે બોલી શકતી નથી…ચૂંટણીઓમાં બોલ…બોલ… કરતાં નેતાઓ પૈકી કોઇએ આ માસુમ બોલતી થાય એવા કોઇ પ્રયાસો કર્યા છે ખરા…? કર્યા હોય તો બાળકીના પરિવાર વતી વંદન અને ના કર્યા હોય તો ઇશ્વર એવા નેતાઓને માફ ના કરીશ…

આ માસુમ અને ફુલ જેવી દિકરી પર કેટલી સર્જરી કરવામાં આવી છે જાણો છો…? જાણીને રૂંવાડા ઉભા થઇ જવા જોઇએ ગુજરાતના રૂવાંડા…

એક-બે નહીં 6 જેટલા ઓપરેશન કરીને 10-20 નહીં પણ હે ગુજરાત, આ બાળકીના શરીર પર 500 જેટલા ટાંકા લેવામાં આવ્યાં છે…500 ટાંકા…!!

અને છતાંય તેની કોઇ નોંધ પેલા છાશવારે મીણબત્તા પડિકાઓ લઇને નિકળી પડતી કર્મશીલ મહિલા સંગઠનોમાંથી કેટલી મહિલા સંગઠનોએ માસુમની મુલાકાત લઇને કેટલી કેન્ડલિયા માર્ચ યોજી જરા બતાવશો….? ન યોજી હોય તો લાજી મરવુ જોઇએ મહિલા સંગઠનોએ.

ભલભલા અને પત્થરદિલ ઇન્સાનનું પણ દિલ પીગળી જાય અને તમામની આંખોમાંથી આંસુ સરી પડે એવી આ ઘટનામાં ભોગ બનેલી માસુમ બાળાને ન્યાય અપાવવા અને સમાજને જગાડવા કોઇ તો આગળ આવો…..

વાંચો…કેવી હાલત કરી છે એ માસુમ બાળાની….

ડિંડોલી બળાત્કાર કેસની માસૂમ બાળા બે વર્ષથી હોસ્પિટલના બિછાને

બે વર્ષમાં 6 ઓપરેશન છતાં આજે પણ હોસ્પિટલમાં પીડા ભોગવતા ભોગવતા સારવાર લઈ રહેલી 4 વર્ષની માસૂમ બાળાની સચ્ચાઈ કઠણ કાળજાના માનવીની આંખો ભીની કરી દે તેવી છે. રમવાની ઉંમરે આ બાળાએ બે વર્ષ હોસ્પિટલમાં સારવાર હેઠળ કાઢી નાંખ્યા અને આજે તે 6 વર્ષની થઈ ગઈ છે. જીવતી લાશ કહી શકાય તેવી આ માસૂમ બાળા પર વર્ષ 2018માં સુરતના ડિંડોલી વિસ્તારમાં બળાત્કાર (Surat Dindoli Rape Case) થયો હતો. હોસ્પિટલના બિછાને બે વર્ષથી પડેલી માસૂમ બાળાને તેની સાથે શું થયું હતું તેની ખબર નથી. બળાત્કારની પીડાનો અહેસાસ પિડીતા અને તેના પરિવારથી વધુ કોણ સમજી શકે ? માસૂમ બાળા હસતી રમતી થઈ જાય તેવી આશાએ એક પછી એક સર્જરી કરી રહ્યાં છે.

તે દિવસ પછી માસૂમ બોલી શકી નથી……હે ભગવાન આ તે કેવો અન્યાય…

માસૂમ બાળાના દર્દની શરૂઆત 1 ઓક્ટોબર 2018ના રોજ થઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમને પાડોશમાં રહેતો 25 વર્ષીય રોશન ભૂમિહાર (Roshan Bhumihar) નામનો હવસખોર શખ્સ ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો હતો. એકાંતનો લાભ લઈને આ નરાધમે જે કૃત્ય આચર્યું હતું તે જોઈને બાળકીનો ઈલાજ કરનારા ડૉક્ટર્સ પણ ચોંકી ગયા. રોજે રોજ દર્દ ભોગવી રહેલી પુત્રીને જોઈને માતાના આંસુ સૂકાતા નથી. બાળકીની માતાનું કહેવું છે કે, ”પોલીસે આરોપીને પકડીને જેલમાં બંધ કરી દીધો છે, પરંતુ તે જેલમાં આરામથી ખાઈ-પીને રહે છે. મારી દિકરી તે દિવસ પછી એક વખત પણ મા નથી બોલી શકી.”

નરાધમને મોતની સજા થવી જોઈએ : માતાની લાગણી

હેવાનિયતનો પર્યાય બનેલો ડિંડોલી રેપ કેસના નરાધમ આરોપીને ગત વર્ષે અદાલતે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફરમાવી હતી. બાળકી સાથે જે હેવાનિયત આચરવામાં આવી છે અને આજે બાળકી જે પીડા સહન કરે છે તેની સામે આરોપીની સજા પર્યાપ્ત નથી. બાળકીની માતાનું કહેવું છે કે, મારી દિકરીની જે હાલતમાં છે તેના જવાબદારને માત્રને માત્ર મોતની સજા થવી જોઈએ.

6 સર્જરીમાં 500થી વધુ ટાંકા લીધા : ડૉક્ટર

સુરતની ખાનગી હોસ્પિટલ લવ એન્ડ કેર (Love & Care Hospital)માં બાળકીનું છઠ્ઠું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આની પહેલાં સુરત તેમજ અમદાવાદની હોસ્પિટલમાં બાળા પર સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટર દિપ્તી પટેલ (Dr Dipti Patel) કહે છે કે, આશા રાખીએ કે બાળકી જલદી સાજી થઈ જાય. બળાત્કાર બાદ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેના હોઠ અને ગાલમાં તેમજ ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ હતી. ત્યારબાદ બાળકીના આંતરડાને ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ હવે તે આંતરડાને શરીરમાં પાછું મુકવામાં આવ્યું છે. હજુ પણ બે ઓપરેશન કરવામાં આવશે. નરાધમ દ્ધારા ચાવી નંખાયેલા ચહેરાને સરખો કરવામાં આવશે. સારવાર માટે બાળકીના પેટ, મોંઢા, પગ તેમજ શરીરના આંતરિક હિસ્સામાં 500થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે.

બાળકીનો સાથ ક્યારેય પણ નહીં છોડું : મહિલા વકીલનો મક્કમ નિર્ધાર

બળાત્કારનો ભોગ બનેલી માસૂમ માટે મહિલા વકીલ પ્રતિભા દેસાઈએ માત્ર કેસ જ નથી લડ્યો, પરંતુ તેની સાજી કરવાનો નિર્ધાર કર્યો છે. અત્યાર સુધી બાળકીના ઓપરેશન કે સારવાર માટે પૂરી રીતે પ્રતિભા દેસાઈએ મદદ કરી છે. તેમનું કહેવું છે કે, મેં તેની સારવાર માટેની જવાબદારી લીધી છે. હું બાળકીનો સાથ ક્યારેય પણ નહીં છોડું. બાળકીની તબિયત સુધારા પર છે. જો કે, હજુ પણ એક ઓપરેશન કરવું પડશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે, તે જલદી ઠીક થઈ જાય…

લિ. એક નાગરિક

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર