ગૃહમંત્રી- અમારી સરકાર મોતના કોઇ આંકડા-વાંકડા છુપાવતી નથી..અહેવાલ ખોટો છે..

ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી આવા અહેવાલો પ્રસિદ્ધ કરાયા-જાડેજાનો દાવો

ગુજરાતમાં કોરોનાથી મોતના આંકડા છુપાવામાં આવતા હોવાના એક અખબારી અહેવલાને ભાજપની રૂપાણી સરકારે ફગાવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સરકાર મોતના આંકડા છૂપાવે છે તે અહેવાલો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જન્મ અને મરણના સર્ટીફિકેટ આપવાની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. મૃતકના પરિવારજનોને બેન્ક, એલઆઇસી સહિત મકાનના દસ્તાવેજો માટે ડેથ સર્ટિફિકેટની જરૂર રહે છે. આથી ઇસ્યુ થયેલા મરણના દાખલા તેમજ મૃત્યુ આંક વચ્ચે તફાવત હોઇ શકે છે.

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે. પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું ત્રણેય અલગ-અલગ બાબતોને એક સાથે સાંકળી અહેવાલમાં કરાયેલું તારણ-નિષ્કર્ષ આધાર વિનાનું છે. અખબારી અહેવાલમાં તુલના કરાયેલા ડેટાઓનું અંડર રિપોર્ટીંગ થયું છે જેનો કોઇ ચોક્કસ આધાર નથી. નોંધનીય છે કે એક અખબારે આ આંકડા જાહેર કરીને સરકારની પ્રતિષ્ઠા સામે સવાલો કર્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, જ્યારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે, સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમને મરણ પ્રમાણ પત્રની બેંક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુ:ખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે અને વિવિધ વિષયો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.

 92 ,  1