9 હજારનો તોડ કરનાર હોમગાર્ડે અન્યોનો પણ તોડ કર્યાની આશંકા

ઇસનપુર પોલીસે ત્રણે હોમગાર્ડની તપાસ શરૂ કરી

પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા

ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ એક યુવકની પાસેથી નવ હજારનો તોડ કર્યો હતો. આ મામલે ફરિયાદ થતા પોલીસે ત્રણે હોમગાર્ડની ધરપકડ કરી છે. ત્યારે ત્રણે હોમગાર્ડે અન્ય લોકોની સાથે પણ આ રીતે તોડ કર્યા હોવા મુદ્દે તપાસ શરૂ કરી છે. બીજી તરફ જ્યાંથી યુવકે પૈસા ઉઠાવી આપ્યા હતા ત્યાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ મેળવ્યા છે.

મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વટવામાં રહેતા અનુપભાઈ તેમના મિત્રો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી રહે છે અને કંપનીઓના ટાવર ઉપર ડિવાઇસ લગાવવાનું એજન્ટ તરીકે કામ કરે છે. ગત ૮મી જાન્યુઆરીના રોજ તેઓ તેમના સંબંધીના લેવા માટે રેલ્વે સ્ટેશન ખાતે ગયા હતા. ત્યારે ઇસનપુર રોડ ઉપર આવેલા ગોવિંદ વાડી સર્કલ પાસે ખાખી કપડામાં હાજર ત્રણ લોકોએ તેમને રોક્યા હતા અને વધુ પૂછપરછ કરી હતી.  બાદમાં તેઓને માર માર્યો હતો અને તેમની પાસેથી 9,000 રુપિયા એટીએમમાંથી કઢાવી બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ પણ કરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ 8મી તારીખના રોજ તેમના જીજાજીને લેવા કાલુપુર રેલવે સ્ટેશન જતા હતા અને અમદાવાદમાં રાત્રીનો કરફ્યુ હોવાથી અનુપભાઈના જીજાજીને કોઈ રિક્ષા ભાડેથી મળી ન હતી. જેથી અનુપભાઈ તેમનું બાઇક લઈને ગયા હતા. કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ અનુપ ભાઈ એ તેમના જીજાજી સત્યેન્દ્ર કુમારને લીધા હતા અને બાદમાં તેઓ વટવા આવતા હતા, ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે ગોવિંદ વાડી સર્કલ પર ત્રણ લોકો ખાખી યુનિફોર્મમાં હતા. જેઓએ અનુપભાઈ ને રોક્યા હતા અને બાદમાં બાઈક સાઈડમાં રાખી અને તેમની પૂછપરછ કરી હતી.

બાદમાં આ ખાખી કપડાં પહેરેલા લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ માગ્યું હતું. બાદમાં આ ખાખી કપડાં પહેરેલા લોકોએ લાયસન્સ જમા થઈ જશે અને તમારી પર કેસ થશે તેમ જણાવતા અનુપભાઈ ગભરાઇ ગયા હતા અને બાદમાં તેમના મિત્રનું લાઇસન્સ તેઓને પુરાવા માટે બતાવ્યું હતું.

ખાખી વર્દીમાં રહેલા લોકોએ આ અનુપભાઈને કહ્યું હતું કે તમે ખોટી ઓળખ આપી છે તમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરી દેવો પડશે અને ત્રણ મહિના જેલમાં રહેવું પડશે. જેથી તેમના જીજાજી એ ખાખી કપડા પહેરેલા લોકોને દંડ ભરીને જવા દેવા માટે વિનંતી કરી હતી. જોકે આ કેસ પતાવવાના 10,000 થશે તેમ કહેતા અનુભાઈ જણાવ્યું હતું કે તેમની પાસે આટલા પૈસા હાલ ઉપલબ્ધ નથી. જેથી ખાનગી કપડામાં હાજર ત્રણ શખ્સોએ અનુપભાઈને મિત્રો પાસેથી ફોન પે કે ગૂગલ પે કરાવવા દબાણ કર્યું હતું. બાદમાં આ અનુપભાઈએ એમના મિત્ર પાસેથી પૈસા પણ માંગ્યા હતા.

આ દરમિયાન ખાનગી કપડામાં હાજર લોકોએ કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી. જેમાં અનુપભાઈ, પોલીસના સ્વાંગમાં રહેલા વ્યક્તિઓ અને અનુપભાઈનો મિત્ર હતો અને કોન્ફરન્સ કોલમાં પૈસા બાબતની વાત કરી હતી.

પરંતુ બાદમાં તમે અમને ઉલ્લું બનાવો છો તેમ કહી અનુપભાઈને ખાનગી કપડામાં હાજર લોકોએ માર્યા હતા. જોકે બાદમાં અનુપભાઈએ તેમના જીજાજીના એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે. તેમ પૂછતાં તેમના એકાઉન્ટમાં 9300 રૂપિયા હોવાથી ખાનગી કપડામાં હાજર આ શખ્સો એટીએમ સેન્ટર ઉપર ગયા હતા. અને 9000 રુપિયા પડાવી લીધા હતા. અનુપભાઈએ આ ઘટના બાબતે કંટ્રોલ રૂમમાં જાણ પણ કરી હતી. ત્યારે આ દરમિયાન ઇસનપુર પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે આ ત્રણ શખ્સો અન્ય કોઈ નહીં પરંતુ હોમગાર્ડ જવાન હતા અને જે લોકો પોઈન્ટ ઉપર હાજર હતા તે દરમિયાન તેઓએ નવ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.

સમગ્ર બાબતને લઈને આ ત્રણેય હોમગાર્ડ સામે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તેઓની અટકાયત કરી તેઓને નજરકેદ રાખ્યા હોવાનું ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે વી રાણાએ જણાવ્યું છે.

 28 ,  1