September 19, 2021
September 19, 2021

સ્વિસ બેંકોમાં કેટલા ભારતીય ખાતા છે?

સરકારને આ મહિને ત્રીજી યાદી મળશે

ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે થયેલા કરારો અંતર્ગત સ્વિસ બેંકો દ્વારા ભારતીયોના ખાતા, નાણા અને સંપત્તિ અંગેની માહિતીનો ત્રીજો સેટ આ મહિને ભારતને સોપવામાં આવશે. જોકે પ્રથમ વખત સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો પાસે કેટલી સંપત્તિ રીઅલ એસ્ટેટમાં છે તેની માહિતી પણ ભારતને સોપવામાં આવશે. કાળા નાણા સામેની કાર્યવાહીના ભાગરુપે ભારતને આ માહિતી સ્વિસ બેંકો તરફથી અગાઉ બે વખત મળી ચુકી છે.

પ્રથમ વખત સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયોની માલિકીના ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ્સ સહિતની માહિતી આપવામાં આવશે. આ સંપૂર્ણ માહિતી આ મહિનાના અંત સુધીમાં ભારતને સોપવામાં આવશે. આ માહિતી મળ્યા બાદ તેની ચકાસણી કરવામાં આવશે અને તેમાં બ્લેક મની કેટલી છે તેનું અલગથી તારણ કાઢવામાં આવશે.

ભારતીઓની રીઅલ એસ્ટેટની સંપત્તિ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવશે તેમાં આ સંપત્તિ દ્વારા કેટલી કમાણી કરવામાં આવી તેની વિગતો પણ સામેલ કરવામાં આવશે. સરકાર એ તપાસ કરશે કે આવી સંપત્તિ અને તેનાથી થયેલી કમાણી વગેરેને ભારતમાં ટેક્સ ભરવામાં આવ્યો તેની સાથે કોઇ નાતો છે કે કેમ.

એવા અહેવાલો છે કે આ મહિનાના અંત સુધીમાં આ સંપૂર્ણ માહિતી ભારતને સ્વિત્ઝર્લેન્ડ દ્વારા સોપવામાં આવશે. નોંધનીય છે કે આ વર્ષે જુલાઇ મહિનામાં સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં વિદેશમાં કેટલુ કાળુ નાણુ ગયું તેની કોઇ સત્તાવાર માહિતી નથી. જોકે સરકાર આવા કોઇ પણ પ્રકારના નાણાને પકડી પાડવાના પ્રયાસો કરી રહી છે. એટલે કે વિદેશમાં ૧૦ વર્ષમાં કેટલુ કાળુ નાણુ મોકલવામાં આવ્યું તેનો કોઇ જ ચોક્કસ સત્તાવાર આંકડો સરકાર પાસે નથી.

જોકે આ વખતે પહેલી વખત સ્વિત્ઝર્લેન્ડ સરકાર ભારતીયોની સંપત્તિની જાણકારી આપવા જઇ રહી છે. એવામાં સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયોના રોકાણના બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને અધિકારીઓએ કહ્યું છે કે સ્વિત્ઝર્લેન્ડ સરકારે વિદેશીઓની સંપત્તિની જાણકારી જાહેર કરવાનો નિર્ણય લીધો છે તેને આવકારીઓ છીએ.

 13 ,  1