યુપીમાં પંજાના સાત વચનો તો ગુજરાતમાં કેટલા આપશે..?

હે કોંગ્રેસ, શું ગુજરાતમાં ગરીબો નથી, યુવાનો નથી..?

કેજરીવાલને દિલ્હી-ઉત્તરાખંડની ચિંતા, ગુજરાતની નહીં..?

યુપીમાં સ્કૂટી-મોબાઇલ- દેવુ માફ- રોકડ સહાય…નોકરીઓ

ગુજરાત માટે આવી જાહેરાતોમાં શરમ આવે છે..?

સત્તા મળ્યા પછીનો ડાયલોગ- અચ્છા હમને ઐસા ભી કહા થા..?!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ઇન્ડિયન પ્રિમિયર લીગ-આઇપીએલ-માં બે નવી ટીમોની એન્ટ્રી થઇ છે. એક ટીમ અમદાવાદની અને એક ટીમ લખનૌની. તેની પાછળ જે હોય તે પણ યુપીના રાજકારણમાં પણ કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થઇ જ ગઇ છે અને તેમણે યુપી વિધાનસભાની 403 બેઠકો માટેની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અનૌપચારીક રીતે જાહેર કર્યો છે…..

ઉત્તરપ્રદેશમાં બારાબંકીમાંથી ‘પ્રતિજ્ઞાા યાત્રા’ના પ્રારંભે પ્રિયંકા ગાંધીએ વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખી, ‘સાત વચનો જનતાને આપ્યા…

પંજાના ઢંઢેરા પર એક નજર….

  • ચૂંટણીમાં ૪૦ ટકા ટિકિટો મહિલાઓ માટે અનામત રાખવા આવશે
  • શાળાએ જતી છોકરીઓ માટે નિ:શુલ્ક સ્કુટી અને મોબાઇલ ફોન આપવામાં આવશે
  • ખેડૂતોની તમામ લોન માફ કરવામાં આવશે
  • ૨૦ લાખ જેટલી નવી સરકારી નોકરીઓ ઉભી કરશે.
  • ગરીબ પરિવારોને વર્ષે રૂા. ૨૫૦૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે
  • કોવિડ કાળ દરમ્યાન બાકી રહેલા વીજળી બીલો અર્ધા કે પુરેપુરા માફ કરવામાં આવશે.
  • ચોખા તથા ઘઉં માટે ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ ઓછામાં ઓછા રૂ.૨,૫૦૦ તેમજ શેરડી
  • માટે ક્વિન્ટલ દીઠ 400 આપશે.

પ્રિયંકાએ કદાજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલમાંથી કે પછી દક્ષિણ ભારતની પ્રાદેશિક પાર્ટીઓના ઢંઢેરામાંથી પ્રેરણા લીધી હોઇ શકે..કેમ કે કેજરીવાલ મફત વીજળી અને અન્ય આર્થિક લાભ દિલ્હીમાં આપી રહ્યાં છે. તામિલનાડુ સહિતના રાજ્યોમાં મતદારોને ટીવી-ફ્રિજ-સોનુ-મંગળસૂત્ર- મોબાઇલની લાલચો આપીને વોટ લેવાની પરંપરા છે અને સત્તામાં આવ્યાં બાદ તેનું પાલન પણ કરે છે.

ગરવા ગુજરાતી મતદારોનો સવાલ એ છે કે પ્રિયંકાજી, ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ ત્યારે રાહુલ ગાંધીએ કેમ મતદારો માટે આવી જાહેરાતો ના કરી..?.અને 2022માં ફરી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શું યુપીની જેમ ગુજરાતના મતદારો માટે સાત વચનોની લ્હાણી કરવામાં આવશે..? ગુજરાતની ચૂંટણીઓમાં તેમને આવી લ્હાણી કરતાં કોણ રોકે છે.. પ્રદેશ કોંગ્રેસના 2017ના ઢંઢેરામાં એવુ ક્યાંય નથી કે નબળા-ગરીબ પરિવારોને વર્ષે 25 હજારની સહાય અપાશે..? 2019માં રાહુલે ગરીબોને મહિને 6 હજારની સહાય આપવાનું વચન આપ્યું હતું નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ કરીને. મહિને 6 હજાર એટલે વર્ષે 72 હજાર. છતાં લોકોએ 543માંથી 44 બેઠકો આપી. યુપીમાં પ્રિયંકા વર્ષે 25 હજાર એટલે મહિને 2 હજારની સહાયની આપવાની વાત કરે છે તો 403માંથી કેટલી બેઠકો મળશે?

ગુજરાતમાં ગરીબો નથી એવુ નથી. સરકારના ચોપડે 6 કરોડની વસ્તીમાં અંદાજે 2 કરોડ કરતાં વધારે ગરીબો છે અને આર્થિક રીતે નબળામાં તો હવે પાટીદારો પણ આવી ગયા છે. વર્ષે 8 લાખની આવક ધરાવનાર આર્થિક રીતે નબળા ગણાય એવુ કેન્દ્ર સરકારે કહ્યું છે અને સુપ્રિમ કોર્ટે તેની સામે એવો સવાલ પણ કર્યો કે વર્ષે 8 લાખની આવક એટલે મહિને અંદાજે 60થી 65 હજારની આવક ધરાવનાર આર્થિક રીતે નબળો કઇ રીતે કહી શકાય..? સરકાર એફિડેવિટ કરીને જવાબ આપે ત્યારે જાણી શકાશે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 44માંથી માત્ર 1 બેઠક મેળવનાર કેજરીવાલની આપ પાર્ટી ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ઉમેદવારો ઉભા રાખવાની છે. કેજરીવાલ પણ દિલ્હીના મતદારોને લલચાવ્યાં તેમ ગુજરાતના મતદારો માટે લોભામણી લ્હાણીઓનો પટારો ખોલશે. મફત વિજળી, યુવાનોને ટેબલેટ, મોબાઇલ ફોન, કિસાનો કા કર્જા માફ, ગરીબોને મફત આવાસ સહિત મોહલ્લા કલીનીકનો અભિગમ અમલમાં મૂકવાની જાહેરાતો શકે. કેજરીવાલે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે એ ઉત્તરાખંડમાં પણ આવી જ લોભામણી જાહેરાતો કરી જ છે.

પ્રિયંકાજી-કેજરીવાલજી…તમોને આવી મોટી મોટી અને લોભામણી વચનોની લ્હાણી માટે યુપી-ઉત્તરાખંડ દેખાય છે તો ગુજરાતના ગરીબો અને ગુજરાતનું મેદાન કેમ દેખાતુ નથી..? ગુજરાતમાં પણ હજારો કિસાનોના માથે દેવુ છે, મુશ્કેલી છે. તો તેમના માટે પણ ટેકાના ભાવ જાહેર કરી શકાય. યુપી-ઉત્તરાખંડના ગરીબો ગરીબ છે અને ગુજરાતના ગરીબો શ્રીમંત છે..? યુપી માટે સાત વચનો તો ગુજરાત માટે 3-4 વચનો તો આપશો ને..?

મતદારો પણ હવે રાજકિય સમજણથી પુખ્ત થઇ ગયા છે કે આવા વચનોની લ્હાણી તેમના મતો લેવામાં માટે જ હોય છે. મતો મળ્યા અને સત્તા મળ્યા પછી…? કોન રે ભાઇ…? તમે કોણ…? કોઇ નેતા વળી ફિલ્મ નાયકનો અમરીશપૂરીનો ડાયલોગ પણ બોલે- અચ્છા..હમને ઐસા ભી કહા થા…?!

ચૂંટણીલક્ષી વચનો આપવામાં પ્રિયંકા અને કેજરીવાલે કોઇ કંજુસાઇ કરી નથી. ઉદાર હાથે લલકારીને કહ્યું- લઇ લો…યે ભી લે લો.. વો ભી લે લો…સબ લે લો..! પણ સત્તા મળે તો ન..? ગુજરાતની ચૂંટણીઓ પણ કાંઇ દૂર નથી એટલે કોંગ્રેસ ગુજરાતમાં પણ સાત વચનો આપશે કે પછી મતદારો 182માંથી માત્ર 7 બેઠકો આપવાનું વચન આપશે..?!

પ્રિયંકાએ સાત વચોની સાથે બોનસમાં એક સૂત્ર પણ આપ્યું -લડકી હું..લડ સકતી હું..છોકરી છું, લડી શકું છું..’ તેનો જવાબ એક ફિલ્મ મેકર અશોક પંડિતે ટીખળ કરીને આપ્યો-, ‘મેડમ આ વાતને તો સ્મૃતિ ઈરાનીએ ક્યારની અમેઠીમાં સાબિત કરી બતાવી છે. તમારા ભાઈ સાહેબ રાહુલ ગાંધીને પુછી લો….’ .

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી