108માં જ દર્દીને લાવવાનો દુરાગ્રહ કેટલાના ભોગ લેશે..? નિયમ બદલી શકાય…

મહામારીમાં દર્દી જે વાહનમાં જે રીતે આવે તેને દાખલ કરવો એ જ માનવધર્મ..

108નું વાહન ન આવતા સેટેલાઇટમાં એક વૃધ્ધાનો જીવ ગયો..

25 સેકંડે નિકળતી 108 25-25 કલાકે પણ પહોંચતી નથી..

નિયમ પ્રજાના હિતમાં ન હોય તો બદલવામાં વાંધો શું છે..?

હાઇકોર્ટનો આદેશ- દર્દી કોઇ પણ વાહનમાં આવે તેને દાખલ કરવા જ પડશે..

ખાસ અહેવાલઃ દિનેશ રાજપૂત

અમદાવાદ અને ગુજરાતમાં એક સમય હતો કે જ્યારે ઇમરજન્સી રિસ્પોન્સ સેવા 108 અંગે લોકો એમ કહેતા હતા કે “ગુજરાતના લોકોની જીવાદોરી એટ્લે 108 એમ્બ્યુલન્સ ની સેવા…! દર 25 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે. “…

પણ આજે મહામારીના કપરાકાળમાં આ જ 108 સેવા લોકોની વેરી બની ગઇ હોય તેમ કોઇની તબિયત બગડે ત્યારે દર 25 સેકંડે રવાના થનાર 108 સેવા 25-25 કલાકે પણ મળતી નથી…

કેટલાક ઉદાહરણો કે જે અખબારોમાં પ્રસિધ્ધ થયા છે..

અમદાવાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ 108 એમ્બ્યુલન્સ ન મળવાને કારણે તેઓ 4 દિવસથી ખાનગી અને સરકારી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા હતા.

-અમદાવાદમાં કોરોનાની સ્‍થિતિ ગંભીરઃ 108 એમ્‍બ્‍યુલન્‍સ માટે 24 કલાકનું વેઇટીંગઃ..

-108 ન મળતાં રીક્ષામાં દર્દીઓને જીએમડીસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, 108માં જ આવો દાખલ નહીં કરીએ અને દર્દીઓ ત્યાં જ મોતને ભેટ્યા..

-108 ત્રીજા દિવસે આવી, સારવાર મળી હોત તો આજે દાદા જીવતા હોત’, મૃતકના પૌત્ર સંદીપ સાધુની આપવીતી…

આવા અનેક ગંભીર અને લોકોના આંખમાં આંસુ લાવી દે તેવા કિસ્સા બન્યા છે જેમાં જાણે-અજાણે 108 હવે ખલનાયકની ભૂમિકા આવી ગઇ છે. એક સમયે જાન બચાવનાર 108 હવે જાન લેનાર બની ગઇ હોય તેવુ ભયાનક ચિત્ર અમદાવાદમાં ઉપસી રહ્યું છે. અને તેના માટે લોકો સત્તાવાળાઓની આવી નીતિને જવાબદાર માની રહ્યાં છે કે જેની પાછળનું કોઇ નક્કર કારણ કે તર્ક સત્તાધીશો પાસે નથી. સમગ્ર 108 સેવા જાણે કે એક અધિકારીના ઇશારે ચાલી રહી હોય તેમ લોકો માની રહ્યાં છે.

108માં લાવો તો જ હોસ્પિટલમાં દાખલ કરાશે…એવા દુરાગ્રહ અને જડ નિયમને કારણે 108ની રાહ જોતાં જોતાં કેટલાય નિર્દોષ લોકો ભોગ બન્યા છે. જેમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 82 વર્ષિય સવિતાબેન રામાભાઇ પટેલ 13મી એપ્રિલે સંક્રમિત થયા. તેમની ઘરે સારવાર શરૂ કરાવી. તેમને દાખલ કરવા પડશે એવો ફેમીલી ડોક્ટરે અભિપ્રાય આપ્યો અને 25મી એપ્રિલે 108ને કોલ આપ્યો પરંતુ રાબેતા મુજબ જવાબ મળ્યો કે વેઇટીંગ ચાલે છે. પરિવારજનોએ ઘરે જેટલી સારવાર થઇ શકતી હોય એટલી આપીને 108ની રાહ જોઇ રહ્યાં હતા. પરંતુ 108 ન આવી અને 27મીએ સવારે તેમનું નિધન થઇ ગયું.

પરિવારજનોની લાગણી છે કે જો 108 સમયસર આવી હોત તો અમારા દાદીમાનો જીવ બચી ગયો હોત.સ્વ. સવિતાબેન પટેલની બધી જ અંતિમક્રિયા પૂર્ણ થઇ ગઇ છતાં હજુ સુધી 108નો કોઇ પતો નથી. હવે 108 આવે તો પણ શું કામનું…? અમારી દાદીમા તો ગઇ..જો કોલ કર્યા બાદ સમયસર સેવા મળી હોત તો અમારા દાદીમાની જેમ અમદાવાદમાં કેટલાય લોકોના જાન બચી શક્યા હોત, એવી લાગણીસભર વ્યથા તેમણે વ્યક્ત કરી.

સ્વ. સવિતાબેન પટેલ જેવા કેટલાય બિમાર લોકો માટે 108માં નામ નોંધાયા છે પણ સમયસર નહીં પહોંચતા જેઓ મોતના મુખમાં ધકેલાઇ ગયા તેમના માટે કોણ જવાબદાર..? શું આ ગુન્હાહિત કૃત્ય નથી કે શું…એવી લાગણી પણ કેટલાય લોકો સોશ્યલ મિડિયામાં ઠાલવી રહ્યાં છે એક સમયે જેના મોંફાટ વખાણ થતાં હતા તે 108 પાસે કેટલા વાહનો છે તેની વિગતો જાહેર થવી જોઇએ. જો પૂરતા વાહનો ના હોય તો હાઇવે પર ફરતી હજારો તૂફાન જીપને કામચલાઉ એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરીને તેનો ઉપયોગ ના થઇ શકે..?

સોશ્યલ મિડિયામાં ચર્ચા છે કે સરકાર પાસે કેટલાય વાહનો છે તે તમામ 108ને સોંપીને તેના ઉપર 108 સેવાનું સ્ટીકર લગાવીને સામાન્ય દર્દીઓ માટે ઉપયોગમાં ના લઇ શકાય.?

બીઆરટીએસને દર્દીની સેવા માટે ઉપયોગમાં ના લઇ શકાય..?

આખરે તો આવા વાહનો પ્રજાની સંપત્તિ છે અને પ્રજાના ઉપયોગમાં ના આવે તો શું કામના..?

મારૂતિ વેનને ખાનગી એમ્બ્યુલન્સમાં ફેરવીને ખાનગી હોસ્પિટલો તેનો ઉપયોગ કરી રહ્યાં છે તો સરકાર ટુરટ્રાવેલ્સ પાસેથી તેમના વાહનો ભાજેથી લઇને 108ની સેવા માટે ઉપયોગમાં લઇ શકે.

તમામ આવા વાહનોને ઓક્સીજન સાથેની સુવિધામાં ભલે ન ફેરવી શકાય પણ જેમને આરોગ્યમંત્રી નિતિન પટેલની જેમ સામાન્ય લક્ષણો હોય તેમને 108 સેવાની સ્ટીકર સાથેના વાહનોમાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેમની સારવાર તો શરૂ થઇ જાય ને…

ગંભીર પ્રકારના દર્દી સ્વ. સવિતાબેન કે સંદિપ સાધુના દાદાને તાકીદે 108 સેવા મળી ગઇ હોત તો તેમના જીવ બચી શક્યા હોત…

ગુજરાત હાઇકોર્ટમાં પણ 108ની સેવામાં થઇ રહેલા વિલંબનો પડઘો પડ્યો છે. 27મીએ હાઇકોર્ટમાં હાથ ધરાયેલી વર્ચ્યુલ સુનાવણી દરમ્યાન હાઇકોરેટે નોંધ્યું કે માત્ર 108માં આવે તે દર્દીને જ દાખલ કરવાની નીતિ યોગ્ય નથી. દર્દી કોઇ પણ વાહનમાં આવે તેને દાખલ કરવાજ પડશે. સમજણપૂર્વકના નિર્ણયો લીધા હોત તો આવું ન થાત. અત્યારની પરિસ્થિતિમાં અમે જરા પણ ખુશ નથી.

આમ હાઇકોર્ટે પણ રાજ્ય સરકારની અને અન્ય સત્તાધીશોની આકરી ટીકા ખાસ રીને 108ના વિચિત્ર નિર્ણય અંગે જે આદેશ આપ્યો છે તે મુજબ દર્દી કોઇપણ વાહનમાં આવે તો પણ તેને દાખલ કરવાની જાહેરાત સરકારે કરવી જોઇએ. જેથી લોકોના જીવ બચી શકે.

કોઇપણ સરકાર આખરે તો પ્રજાના કલ્યાણ માટે અને હિત માટે હોય છે. સરકારના તમામ નિર્ણયો પ્રજા હિતને ધ્યાનમાં રાખીને લેવાતા હોય છે ત્યારે 108માં જ આવે તો જ દાખલ કરાશે તે નિર્ણયથી પ્રજાને પારાવાર કલીફો પડી રહી છે, મિડિયા અને સોશ્યલ મિડિયા તથા ન્યાયતંત્ર પણ તેનાથી નારાજ છે ત્યારે તેમાં ફેરફાર કરવાથી સરકારને શું ગુમાવવાનું છે…? એવા સવાલો થાય તો તે પ્રજાની લાગણીનો પડઘો છે, જેમણે 108ના જડ અને અતાર્કિક નિયમના કારણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની લાગણીનો પડઘો છે અને માંગણી એ છે કે 108નો નિયમં બદલો..! પરિવર્તન સંસારનો નિયમ છે તો એક નિયમમાં પરિવર્તન કરવામાં શું વાંધો છે ભલા…?!

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર