USમાં પહોંચ્યો હન્ટા વાયરસ : મિશિગનમાં મહિલાની હાલત થઇ ગંભીર…

આ મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી અને તેમાંથી આ વાયરસનો મહિલામાં પ્રવેશ થયો

વિશ્વ આખું કોરોના મહામારીની ઝપેટમાં આવેલું છે .હજી તો આ મહામારી પુરી કાબુમાં આવી નથી ,ત્યાં તો નવા વાયરસની ચપેટમાં આવ્યા હોઈએ તેવું લાગી રહ્યું છે .કોરોના વાઇરસ હજુ તો ગયો નથી, ત્યાં અમેરિકાના મિશિગનમાં “હન્ટા વાયરસ” સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ,કોરોના વાયરસ સંકટની વચ્ચે હવે અમેરિકાના મિશિગનમાં હન્ટા વાયરસના ચેપનું જોખમ તોળાઈ રહ્યું છે. મિશિગનમાં એક મહિલાના સંભવત: હન્ટા વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. ચેપગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા ઉંદરોના સંપર્કમાં આવી હતી અને તેમાંથી આ વાયરસનો મહિલામાં પ્રવેશ થયો હતો.

વધુ વિગતોમાં ,મિશિગનના આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, એક મહિલાને ફેફસાની સમસ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા ઘરની સફાઇ કરી રહી હતી અને આ દરમિયાન તેને ઉંદરથી હન્ટા વાયરસનો ચેપ લાગ્યો હતો. જાન્યુઆરી 2017 સુધીમાં યુ.એસ. માં હન્ટા વાયરસના 728 કેસ સામે આવ્યા હતા. યુએસ અધિકારીઓ 1993થી વાયરસ પર નજર રાખી રહ્યા છે.

નોંધનીય છે કે ,આ અગાઉ પણ ચીનના યૂનાનમાં હન્ટા વાયરસને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. નિષ્ણાતોના મતે ઉંદરો અને ખિસકોલીના સંપર્કમાં આવવાને કારણે હન્ટા વાયરસ ફેલાય છે. અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન મુજબ આ વાયરસ હવામાં અને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ સુધી ફેલાતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવે છે, તો તેને હન્ટા વાયરસના સંક્રમણનું જોખમ વધારે છે. હન્ટા વાયરસને કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

રિપોર્ટ્સ અનુસાર ,આ નવા આવેલા હન્ટા વાયરસના લક્ષણોને સરળતાથી ઓળખી શકો છો. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ ,જ્યારે કોઈ વ્યક્તિ હન્ટા વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે તેને 101 ડિગ્રીથી વધુ તાવ આવે છે, તેના સ્નાયુઓ અને માથાનો દુખાવો થવા લાગે છે. આ સાથે હન્ટા વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિને ઉબકા, ઉલટી અને પેટમાં પણ દુખાવો થાય છે. તેમજ ત્વચા પર લાલ ફોલ્લીઓ થવા લાગે છે.

આવા કોઈપણ પ્રકારના લક્ષણો જો કોઈપણ વ્યક્તિને જણાય તો તાત્કાલિક ધોરણે તેની સારવાર કરાવી ખાતરી કરી લેવી જોઈએ કે આ ‘હન્ટા વાયરસ’ના ચિન્હો તો નથી ને..?સાવચેતી અને સલામતી જ આવી મહામારીનું આગોતરું આયોજન છે .

 22 ,  1