હૈદરાબાદ રેપ-મર્ડર કેસના આરોપીનું મોત, 24 કલાક પહેલા મંત્રીએ કહ્યું હતું – એન્કાઉન્ટર કરીશું..

મૃતદેહ રેલવે ટ્રેક પર મળ્યો, પોલીસે 10 લાખનું જાહેર કર્યું હતુ ઈનામ

તેલંગણાના હૈદરાબાદ જિલ્લાના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં રેલવે ટ્રેક પાસેથી આરોપીનો એક મૃતદેહ મળી આવ્યો છે. વારનગલમાં રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો. જ્યાં પોલીસ પહોંચી ત્યારે મૃતદેહની તપાસ કરી અને હાથ પર બનેલા ટેટુના આધારે જાણવા મળ્યું કે આ મૃતદેહ સૈદાબાદ રેપ હત્યા કેસના આરોપીનો જ છે.

તેલંગણાના ડીજીપીએ ટ્વીટ કરીને કહ્યું કે સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો છે. તે ઘનપુર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. શરીર પર મળેલા નિશાનના આધારે આરોપીની પુષ્ટિ કરવામાં આવી છે. 

અત્રે જણાવવાનું કે હૈદરાબાદ શહેરના સઈદાબાદ વિસ્તારની સિંગરેની સ્લમ કોલોનીમાં 9 સપ્ટેમ્બરના રોજ છ વર્ષની બાળકી અર્ધનગ્ન અવસ્થામાં પાડોશીના ઘરમાં મૃત મળી આવી હતી. બાળકીના બળાત્કાર અને પછી હત્યાનો મુખ્ય સંદિગ્ધ 30 વર્ષનો રાજૂ નામનો પાડોશી હોવાનું જણાવાયું હતું. 

શરૂઆતમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો હતો કે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવશે. તેના વિશે માહિતી આપનાર માટે 10 લાખ જેટલી રકમનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આરોપી છેલ્લીવાર 10 સપ્ટેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો.

મંત્રીએ કહ્યું હતું એન્કાઉન્ટર કરી દઈશું

નાની બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. દરેક જણ આરોપીને કડક સજા આપવાની માંગણી કરી રહ્યા હતા. આ બધા વચ્ચે તેલંગણા સરકારના મંત્રીએ પણ એવું પણ નિવેદન આપ્યું જેના કારણે વિવાદ થયો હતો. તેલંગણા સરકારમાં લેબરમંત્રી મલ્લા રેડ્ડીએ એટલે સુધી કહી દીધુ કે હૈદરાબાદની બાળકીની હત્યા કરનારાને કડક સજા મળવી જોઈએ. અમે તેની ધરપકડ કરીશું અને પછી  એન્કાઉન્ટર કરી દઈશું. મંત્રીના નિવેદનના 24 કલાકની અંદર જ આરોપી મૃત મળી આવ્યો છે. 

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી