સારા કામ માટે આવ્યો છું કેમ છીંક ખાધી કહી એલઆરડીને માર મારતા ફેક્ચર

પાંચ લોકો સામે ફરિયાદ નોંધી નરોડા પોલીસે ધરપકડ કરી

એલઆરડી સિવિલ હોસ્પિટલમાં દાખલ

નરોડા વિસ્તારમાં આવેલી મામલતદાર ઓફિસમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામલતદાર કચેરીમાં સરકારી કામ માટે ગયેલા પોલીસ જવાનને છીંક ખાવી ભારે પડી છે. છીંક ખાતા જ બે વ્યક્તિઓએ કહ્યું હતું કે, સારા કામ માટે આવ્યા છીએ કેમ છીંક ખાધી ત્યારબાદ પોલીસ જવાનને બિભત્સ ગાળો આપીને બીજા લોકોને બોલાવીને માર મારતા પોલીસ જવાનને નાકના ભાગે ફ્રેક્ચર થયું છે. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આ મામલે નરોડા પોલીસે એલઆરડી જવાનની ફરિયાદ નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે.

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા ગઈ કાલે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જમીન બાબતના કામકાજ અંગે નરોડાની મામલતદાર કચેરી ખાતે ગયા હતા. જ્યાં તેઓને છીંક આવતા નજીકમાં ઉભેલા બે ઈસમોમાંથી એક ઈસમે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી તેમ કરીને તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. જોકે, પોલીસ જવાને પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ બન્ને યુવકોએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, બીજા ત્રણ લોકોને બોલાવીને પાંચ જણા ભેગા થઈને પોલીસ જવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. જવાનને મોઢાના ભાગે મુક્કા મારતા તેઓને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

જોકે, આસપાસના લોકોમાં બુમાબૂમ થઈ જતા પાંચ આરોપીઓએ પોલીસ જવાને મારવાનું બંધ કર્યું હતું. બાદમાં સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને પોલીસ જવાને માર મારનાર પાંચેયના નામ પૂછતા તેઓએ જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડ હોવાનુ  જણાવ્યું હતું.

બીજી તરફ ઇજાગ્રસ્ત પોલીસ જવાન ને સારવાર માટે ખસેડતા તેઓને નાક નાં ભાગે ફેક્ચર હોવાનુ જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પાંચે વ્યક્તિની ધરપકડ કરી તપાસ આદરી છે.

પોલીસે પોલીસને બચાવી હોવાનો આક્ષેપ

પોલીસ જવાન યુવરાજસિંહ ડ્રેસમાં ન હતા. ઉપરાંત તેણે જગદીશ ભરવાડ સાથે પહેલાં માથાકુટ કરી હતી. પરંતુ જગદીશ ભરવાડ ત્યાંથી પોતાના કામ માટે ગયો હતો. ત્યારબાદ કામ પુરુ કરી જગદીશ જઇ રહ્યો હતો. ત્યારે યુવરાજસિંહે પોલીસ છું તેમ કહી ધમકી આપી ગાળો આપી હતી. જેથી જગદીશે ગાળો ન બોલવા જણાવ્યું હતું. જો કે, ઉશ્કેરાયેલા યુવરાજસિંહે ઝપાઝપી કરી મારા મારી શરૂ કરી હતી. જેથી ઝઘડો શરૂ થયો હતો. આમ છતા પોલીસે પોલીસને બચાવી હતી અને જગદીશની ફરિયાદ લીધી ન હતી.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર