મેં તુલસી તેરે આંગન કી.., 21 લાખ રોપાઓનું વિતરણ…

વિશ્વ પર્યાવરણ દિવસે ઔષધિ તુલસી પ્રત્યે લોકોમાં જાગૃતિ..

આજે 5મી જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પર્યાવરણ દિવસ મનાવવાનો હેતુ લોકોને પર્યાવરણના જતન અને સુરક્ષા માટે જાગૃત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ યુ.એન, દ્વારા આ વર્ષને ‘ઈકોસીસ્ટમ રીસ્ટોરેશન’ થીમ આપવામાં આવી છે. પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

નોંધપાત્ર છે કે ,વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે રાજ્યના વન વિભાગ દ્વારા આ વર્ષે પવિત્ર તુલસીના 21 લાખ રોપાઓનુ વિતરણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકામાં 5 લાખ, સુરત મહાનગર પાલિકામાં 2 લાખ, વડોદરા મહાનગરપાલિકામાં 1 લાખ, રાજકોટ મહાનગરપાલિકામાં 1 લાખ અને ગાંધીનગર, જૂનાગઢ અને જામનગર પાલિકાઓમાં દરેકમાં 50 હજાર તેમજ અન્ય સ્થળોએ તુલસીના રોપાનુ વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવશે.

વધુમાં ,જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કાર્યાલયોમાં જગ્યા મુજબ તુલસી રોપણ કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વળી, મહીસાગરમાં તુલસી, ગળો અને અરડૂસીના 108 છોડ રોપવામાં આવશે તેમજ જનજાગૃતિ સંદેશ સાથે ‘ગો ગ્રીન’ સાયકલ રેલી કાઢવામાં આવશે. વન વિભાગ દ્વારા ઔષધીય રોપા રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વનીકરણ અને ઔષધિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંવર્ધનના વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે ,કોરોના મહામારીમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે આયુષ રથ દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળ-ઔષધિઓનુ વિતરણ કરવામાં આવ્યુ. વન વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય માટે વનસ્પતિઓના સંરક્ષણ અને સંવર્ધનના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર અને વન વિભાગના પ્રયાસોથી ગુજરાતના 14,757 ચોરસ કિલોમીટરના વન વિસ્તારમાં બે વર્ષ દરમિયાન 100 ચોરસ કિમીનો વધારો કરવામાં આવ્યો છે.

 38 ,  1