‘પગાર નહીં આપું, બહેનને ઉઠાવી જઇશ,’ કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ

માલિકની બહેન યુવતીને ઓફિસે બોલાવતી અને ભાઈ દુષ્કર્મ આચરતો, 4 વિરુદ્ધ ફરિયાદ

યુવતી ગર્ભવતી થઇ તો બારેજા 6 દિવસ ગોંધી રાખી

શહેરના ઈસનપુર વિસ્તારમાં ટી.વી.એસ ટ્રાન્સફર ટ્રેલર કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો. ‘પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,’ કહી બોસના ભાઇએ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. નોકરી અને પગાર જવાના ડરથી યુવતી આરોપીની હેવાનીયત સામે મૂકપ્રેક્ષક બની ગઈ હતી. કંપનીના માલિકના નાનાભાઈએ કરેલા બળાત્કારને પગલે યુવતી ગર્ભવતી થઈ હતી. આરોપીઓએ 6 દિવસ સુધી યુવતીને બારેજા સ્થિત તેઓના મકાનમાં ગોંધી રાખી બાદમાં ઘરે મૂકી ગયા હતા. આ મામલે ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ હરિયાણાની 19 વર્ષીય નેહા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) તેના માતા-પિતા, બહેન અને ભાઈ સાથે નારોલમાં રહે છે. નેહા પહેલા નારોલ ખાતેના એક કારખાનામાં નોકરી કરતી હતી. બાદમાં તે નોકરી તેણે છોડી દીધી હતી. ત્યારબાદ તેની ફ્રેન્ડ થકી તે ઈસનપુર ચાર રસ્તા પાસે અમીન કોમ્પ્લેક્ષમાં આવેલી ટી.વી.એસ ટ્રેલર નામની કંપનીની ઓફિસમાં નોકરીએ લાગી હતી. વર્ષ 2019ના જૂન માસમાં યુવતીએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂ. 8 હજાર નક્કી કરાયો હતો અને શનિ-રવીની રજા પણ નક્કી થઈ હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા. નોકરી દરમિયાન સુમિત સાથે ધરોબો અને વાતચીત થતાં તે ધીરે-ધીરે નેહા જોડે છેડછાડ કરવા લાવ્યો હતો. પરંતુ માલિકનો ભાઈ હોવાથી નેહા તે બાબતને નજરઅંદાજ કરતી હતી. નેહાને રિયા પણ કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

બાદમાં વર્ષ 2019ના ઓગસ્ટ માસમાં નેહાને ફોન કરી રિયાએ ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. નેહા ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. રજાના દિવસે પણ ફરી આવું જ રિયાએ કર્યું અને ફરી સુમિતે યુવતી પર ઓફિસમાં બળાત્કાર કર્યો હતો.

ગત તા.16 નવેમ્બર ના રોજ નેહા હરિયાણા ખાતે પ્રસંગમાં ગઈ હતી. તે સમયે સુમિતે ફોન કરી ઓફિસ આવી પગાર લઈ જવા કહ્યું હતું. નેહા ફોન ના ઉપાડે તો તેની મમ્મીને સુમિત ફોન કરી પગારની વાત કરતો હતો. ગત તારીખ 11મી ડિસેમ્બરના રોજ નેહા પગાર લેવા ગઈ તો ઓફિસ બંધ હતી. સુમિત ત્યાં પહોંચ્યો અને યુવતીને પગારના બહાને પોતાના બારેજા ખાતેના ઘરે લઈ ગયો હતો. તે સમયે ત્યાં સન્ની, તેના પિતા રાકેશ ઉપ્પલ, સુમિતનો ભાઈ પુનિત અને સન્નીનો પુત્ર હાજર હતા. નેહાએ પગારની વાત કરતા સન્ની ઉપ્પલે તારે મારા ભાઈ સુમિત જોડે છ દિવસ રહેવું પડશે તો પગાર મળશે તેમ જણાવ્યું હતું. આથી નેહાએ તેની માતાને ફોન લગાવતા સુમિતે ફોન લઈ સ્વિચ ઓફ કર્યો હતો.

નેહાને આરોપીઓએ ગોંધી રાખી તેની માતા સાથે વાત પણ ના કરાવી અને ઘરે પણ જવા દીધી ન હતી. યુવતી સાથે સુમિતએ બારેજા ખાતે પણ પગાર નહી આપું તેમ કહી બળાત્કાર કર્યો હતો. જેથી નેહા ગર્ભવતી પણ થિ હતી. આ મામલે યુવતીએ કંટાળીને સુમિત ઉપ્પલ, રિયા ઉર્ફે શેફાલી સમીરભાઈ, સમીર રાકેશભાઈ ઉપ્પલ અને રાકેશ ઉપ્પલ સામે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

એક તબક્કે નેહાએ નોકરી છોડી દીધી હતી

નેહાએ વર્ષ 2020 માં નવેમ્બર માસમાં પગાર માંગતા સન્ની અને સુમિતે આવતા મહિને આપી દેવાનું કહ્યું હતું. આથી નેહાએ રૂ.12 હજારના બાકી પગાર સાથે નોકરી છોડી દીધી હતી. ડિસેમ્બર-2019થી માર્ચ-2020 સુધી નેહાએ બીજા સ્થળે જમાલપુરમાં નોકરી કરી હતી. નેહા પોતાનો બાકી પગાર લેવા અવારનવાર સન્ની અને સુમિત પાસે જતી પણ તેઓ પગાર આપતા ન હતા. જૂન-2020માં લોકડાઉન ખુલતા સુમિતે ફોન કરી નોકરી આવી જવા અને બાકીનો પગાર ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. જેથી જૂનમાં નેહાએ ફરી નોકરી શરૂ કરતાં 6 હજાર રૂપિયા સુમિતે આપ્યા બાકીની રકમ ટૂકડે-ટૂકડે આપી દેશે તેમ જણાવ્યું હતું.

જૂનના પહેલા અઠવાડિયાથી લઈ ગત તા. 10 નવેમ્બર,2020 દરમિયાન દર શનિવારે અને રવિવારે સુમિત રિયા થકી નેહાને કામના બહાને ઓફિસ બોલાવતો અને પગાર નહી આપું, બહેનને ઉઠાવી લઈશ તેવી ધમકી આપી બળજબરી કરી યુવતી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.

 98 ,  1