અમદાવાદ : સંભવિત ત્રીજી લહેરને લઇ SVP અને LG હોસ્પિટલમાં તડામાર તૈયારી

SVP અને LG હોસ્પિટલમાં ICU અને ઓક્સિજન બેડ તૈયાર કરાશે

રાજ્યમાં કોરોનાની સાથે હવે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. ગઇ કાલે રાજ્યમાં કોરોનાનાં 204 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 65 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 73 કેસો સામે આવી ચૂક્યા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

કોરોનાના કેસ વધતા AMCની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે. LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે. શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના નવા કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યાં છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આજે ઓમિક્રોનના પણ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે ઓમિક્રોનના 13 નવા કેસ નોંધાયા અને શહેરના અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 24 પર પહોચ્યો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે છે.

 21 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી