September 23, 2021
September 23, 2021

અમિતાભ પર ફિલ્મ બને તો..? આપકે ઓપ્શન હૈ….

ધોની બાદ હવે સૌરવ ગાંગૂલી પર બનશે બાયોપિક…

જયલલિતા પર બનેલી બાયોપિક રજૂ થઇ..

લિજેન્ડરી અમિતાભ પર બાયોપિક બને તો હિટ..હિટ..

ભરપૂર મસાલો છે અમિતાભની બાયોપિકમાં…

ચુલબુલી કાતિલ અને કાબિલ રેખાનું પાત્ર કોણ ભજવશે..?

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

બંગાળની તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનતા બનતા રહી ગયેલા સૌરવ ગાંગુલી પર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની જેમ ફિલ્મ બનશે. ખુદ ગાંગુલીએ બાકાયદા ટ્વીટ કરીને હર્ષભેર, ઉલ્લાસભેર.. આનંદવિભોર.. અને મન મેં લડુડુ ફૂટા…ની જેમ જાહેરાત કરી. તેમના પર બાયોપિક ફિલ્મ બને એટલે સ્વાભાવિક છે કે કંઇક વળતરની વાત તો હશે જ. ન તો કોઇ પોતના જીવન પર કોણ ફિલ્મ બનાવવા દે…? ક્યાંક ઉંધુ વેતરી નાંખે તો…? એટલે દેખીતી રીતે દાદાના નામે જાણીતા આ ક્રિકેટર પોતાના ઉપર બનનારી ફિલ્મની પટકથા પોતે વાંચશે, ક્યાંક કરવા લાગે તો સુધારા પણ કરશે. કોઇ લવ ફિલ્મ્સ નામની કંપની દાદા ઉપર ફિલ્મ બનાવશે. તેમાં દાદાની કોઇ લવ સ્ટોરી હશે કે કેમ એ તો દાદા જાણે પણ હાલમાં જ્યારે બાયોપિકનો દૌર ચાલી રહ્યો છે તો ધારો કે અમિતાભ બચ્ચન પર ફિલ્મ બને તો કેવું..?!!

દક્ષિણના રાજ્યોમાં રાજકિય અંગત વેરઝેરનો ભોગ બનનારી અને રાખનાર જયલલિતાના જીવન પર બનેલી ફિલ્મ રજૂ થઇ છે. ધોની પર ફિલ્મ બની છે. ધોનીનું પાત્ર ભજવનાર હવે આ દુનિયામાં નથી. ટેનિસ ખેલાડી સાયના નેહવાલ પર ફિલ્મ બની છે. દોડવીર મિલ્ખાસિંગ કે જેને ફ્લાય શિખ કહેવામાં આવતા હતા તેના પર ભાગ મિલ્ખા ભાગ નામની ફિલ્મ બની છે. ફ્લાય એટલા માટે કે તેઓ એટલી ઝડપે દોડતા કે જાણે ઉડી રહ્યાં હોય એટલે તેમનું હુલામણું નામ ફ્લાય શીખ પડ્યું હતું. હમણાં જ કોરોનામાં તેમનું નિધન થયું. સંજયદત્ત પર ફિલ્મ બની છે. બાલ ઠાકરેના જીવન પર ફિલ્મ બની છે. તો લંબુજી..લંબુજી..અમિતાભના જીવન પર બાયોપિક કેમ નહીં..?!

કેટલી મસાલેદાર ભરપૂર પટકથા બની શકે. ઇમોશન છે, ટ્રેજડી છે, પ્રેમરસ ( રેખાની યાદ આવી ને..) છે, જીવનના ઉતારચઢાવ છે, દિવાર છે, જંજીર છે, શોલે છે, પા છે, સિલસિલા(મૈં ઔર મેરી તન્હાઇ અકસર યે બાતે કરતે હૈ..) અને છેલ્લે આપ એક કરોડ જીત ગઇ….વાળો કેબીસીનો શો પણ છે… એટલે કુલ મિલાકે તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી લઇને છેલ્લી ફિલ્મ તો હજુ નક્કી નથી કેમ કે તેઓ 77 વર્ષે પણ કાર્યરત છે અને ઘડી ડિટરજન્ટની એડમાં પણ આવે છે. તેમની ચાલવાની એક અનોખી અદા છે જે દિવારમાં જોવા મળે છે.

કુલીને કેમ ભૂલાય…? મહાભારત સિરિયલના દુર્યોધન પુનિત ઇસરે ભૂલથી તેમને પેટમાં સાચે જ મુક્કો માર્યો તે પછી અમિતાભને જાણે કે નવુ જીવન મળ્યું છે. મુંબઇની બ્રિજકેન્ડી હોસ્પિટલમાં તે વખતે દાખલ અમિતાભની ખબર કાઢવા માટે ખુદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મુંબઇ આવ્યાં હતા અને આખા દેશે અમિતાભના દિર્ઘાયુ માટે પ્રાર્થના-દુવા અને કેન્ડલ સળગાવી હતી.

તેઓ રેખાને ચાહતા હતા કે રેખા તેમને ચાહતી હતી કે ફિલ્મને સફળ બનાવવા ગોશિપ હતું એ તો તેઓ જાણે પણ આજે પણ અમિતાભ રેખાની સામે આવતા અચકાય છે એ હકીકત છે. કદાજ તેઓ કોઇ વિવાદમાં પડવા માંગતા નહી હોય. કારણ..? બ્રાન્ડ ઇમેજ. તેમની બ્રાન્ડ ઇમેજની કિંમત નહીં નહીં તો 400 કરોડ તો છે જ. એટલે રેખા સાથેના એવા કોઇ વિવાદમાં પડે એટલે હાથ પર રહેલી ફિલ્મો, વિજ્ઞાપન ફિલ્મો, માન સન્માન બધુ….?

શું થાય એ શિલ્પા શેટ્ટીને પૂછવુ પડે. રાજ કુન્દ્રાના કારનામાની તેમના જાહેર જીવન પર કેવી અસર પડી છે. જાહેર જીવનમાં પતિ કુન્દ્રાના કાળા કારનામાની પત્ની શિલ્પાને ખબર ના હોય એવુ બને..? ઠાવકાઇથી કહી દીધુ- વો તો ઇરોટિક ફિલ્મે હૈ કોઇ ગંદી ફિલ્મ થોડે હી હૈ…! અને પાછા બાળકોના ટીવી શોમાં જજ તરીકે ફરી બેસવા પણ દીધા અને બેસી પણ ગઇ…

તો વાત હતી અમિતાભના જીવન પર ફિલ્મ બને તો. જાણે કે તેમના પત્ની જયાનું પાત્ર ભજવનાર કોઇ અભિનેત્રી મળી જાય..;ચુલબુલી ભલભલાને ઘાયલ કરનાર રેખાનું પાત્ર ભજવનાર પણ કોઇ અભિનેત્રી મળી જાય, શોલેના ધર્મેન્દ્રના પાત્રમાં કપિલ શર્મા શોનો કૃષ્ણા મળી જાય પણ લંબુજીની ઉંચાઇ ધરાવનાર બીજા અમિતાભ ક્યાંથી લાવવા…? એવુ તો હોય નહીં કે તેમાં તેમના પર બનનારી ફિલ્મમાં હિરો તરીકે ઓછી ઉંચાઇ ધરાવનાર રાજપાલ યાદવ કે આમિરખાન ચાલે…!

અભિષેક બચ્ચનને સહેજ ઉંચાઇવાળા બુટ પહેરાવીએ તો ચાલે કે નહીં…? અવાજ પિતા અમિતાભ જેવો છે, ચાલવાની અદા પણ એવી જ અને અભિનયમાં પણ વાંધો આવે તેમ નથી. પણ કેબીસીવાળા અમિતાભની તોલે તો ન જ આવે…! અમિતાભ એક દંતકથા સમાન-લિજેન્ડરી- છે. એટલે એક બાયોપિક તો બનતી હી હૈ..! કોણ બનાવશે અને ક્યારે બનશે? આપ કે ઓપ્શન હૈ….!!

 54 ,  1