જો કોઈ રિક્ષા ચાલક વધુ ભાડાની માગણી કરે તો, આ નંબર પર કરો ફરિયાદ…!

વધુ ભાડૂ વસૂલનારા રિક્ષાચાલક સામે થશે કાર્યવાહી

ટ્રાફિક પોલીસે ફરિયાદ માટે 1095 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ AMTS અને BRTS બંધ થતા રિક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાની ફરીયાદો સામે આવી હતી. હવે બેફામ બનેલા રિક્ષાચાલકોને નિયંત્રણ કરવા તંત્રએ કમર કસી લીધી છે.  રિક્ષા ભાડાંની બેફામ લૂંટ સામે ટ્રાફિક પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો તમારી પાસેથી પણ કોઈ રિક્ષા ચાલકો વધુ ભાડાની માગણી કરે તો, તમે ફરિયાદ નોંધાવી શકો છો. ટ્રાફિક પોલીસે ફરિયાદ માટે 1095 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. મુસાફરોને લૂંટતા રિક્ષા ચાલકો પર પોલીસ તવાઇ કરશે. 

કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે. લોકોની ફરિયાદ સામે ટ્રાફિક પોલીસે પણ હવે ફરિયાદ નંબર જાહેર કર્યો છે. સાથે રિક્ષા યુનિયનને પણ સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ શહેર ટ્રાફિક શાખા શહેરના વિવિધ ઓટોરિક્ષા યુનિયનની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ઓટોરિક્ષા ડ્રાઈવર યુનિયનની સર્વ સંમતિથી સંયુક્ત નિર્ણય પ્રમાણે પ્રવર્તમાન કોરોનાલક્ષી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી અમુક ઓટોરિક્ષા ચાલકો કાયદાથી વધુ રિક્ષાભાડું ઉઘરાવે છે તો તે કાયદાકીય અને અનૈતિક દ્રષ્ટિએ ખોટું અને અયોગ્ય છે તેવી ચર્ચા કરાઈ હતી.

આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જો રિક્ષાચાલક કાયદેસરના ભાડાના નિયમોનો ભંગ કરશે તો તે ગુનેગાર રિક્ષા ડ્રાઈવર સામે કડક પગલાં ભરવામાં આવશે. તથા આ પ્રકારના અનૈતિક કામ કરનાર રિક્ષા ચાલકને કોઈ પણ ટેકો આપશે નહીં તથા આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરનાર રિક્ષા ચાલક કોઈ નાગરિક/પેસેન્જરોના ધ્યાનમાં આવે તો ટ્રાફિક હેલ્પ લાઈન નંબર 1095 પર જાણ કરવા વિનંતી છે.

 28 ,  1