September 20, 2021
September 20, 2021

કેજરીવાલ ગુજરાતમાં દારૂ પીવાની છૂટી આપે તો..?!

દિલ્હીમાં કેજરીવાલ દારૂની તરફેણમાં પણ ગુજરાતમાં..?

હાઇકોર્ટમાં પણ દારૂ અંગે ચાલી રહી છે રસપ્રદ સુનાવણી..

18 વર્ષે મતાધિકાર મળે તો દારૂ ના પી શકાય..?

દારૂની વાત આવે અને ગુજરાત ઝુમી ઉઠે…

કોઇ ઘરમાં બેસીને દારૂ પીએ તો શું વાંધો..?

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

ગુજરાતમાં દારૂ પીવાની વાત આવે અને ઘણાંને પીધા વગર ચઢી ગઇ હોય તેમ ઝુમી ઉઠતા હોય છે અને હાથનો ઇશારો કરીને પૂછતાં હોય છે કે-છે..? ગુજરાતે 1 મે 1960થી નશાબંધીની નીતિ અપનાવી છે. ગુજરાત સિવાય છેલ્લે છેલ્લે બિહારમાં નશાબંધી લાગૂ કરવામાં આવી અને ત્યાં પણ ગુજરાતની જેમ છાશવારે લઠ્ઠાકાંડો બની રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લો જે લઠ્ઠાકાંડ થયો તેમાં 150 લોકો માર્યા ગયા હતા.

દારૂ કહેતા મદિરાપાનનો ઇતિહાસ મહાભારતકાળ સુધી પહોંચે છે. યાદવકુળનો નાશ મદિરાપાનને કારણે થયો તેનો ઉલ્લેખ છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પણ અગાઉ નશાબંધીની નિતિ અમલમાં હતી. ત્યાંની પણ પોલીસ, ગુજરાત પોલીસની જેમ પ્રોહિબિશનની રેડ કરતી હતી. જો કે સમય જતાં સ્થાનિક હવામાન અને સરકારોની નીતિને કારણે અમેરિકા સહિત દુનિયાના લગભગ તમામ દેશોમાં કાયદેસર દારૂ પિવાય છે. ભારતમાં ગુજરાત અને બિહાર સિવાય અન્યત્ર દારૂ ખુલ્લી છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂનો જથ્થો પૂરો પાડવામાં આસપાસના રાજ્યોની દારૂની દુકાનો દિલથી મદદ કરે છે. દરરોજ કેટલાય વાહનો ચેકનાકાએ દારૂના જથ્થા સાથે ઝડપાય છે છતાં બેરોકટોક લાવવામાં આવે છે.

ગુજરાતમાં આપ પાર્ટીના નેતાઓ ચૂંટણીઓની તૈયારીરૂપે પાર્ટીના સર્વેસર્વા કેજરીવાલ માટે રાજકિય પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે પણ તેમની પાંખો ઉપ-રાજ્યપાલ પાસે છે. કેજરીવાલ ચાલી શકે છે પણ ઉડી શકે તેમ નથી. દિલ્હીની એક અદાલતમાં આપ પાર્ટીની કેજરીવાલની સરકાર દ્વારા દિલ્હીમાં દારૂ પીવાની કાયદેસરની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષની કરવામાં આવી તેની સામે કોમ્યુનિટી અગેઇન્સ્ટ ડ્રન્ક ડ્રાઇવિંગ નામની સંસ્થાએ વાંધો ઉઠાવ્યો છે, આપ સરકારે એવી દલીલ કરી કે જો 18 વર્ષે મતાધિકાર મળતો હોય તો 21 વર્ષે કાયદેસર રીતે દારૂ પીવામાં શું વાંધો છે..?!

ગુજરાત હાઇકોર્ટમાં દારૂ અંગે જ એક રસપ્રદ દલીલ સાથે રીટની સુનાવણી ચાલી રહી છે. હું મારા ઘરમાં બેસીને કોઇને ના નડે તેમ દારૂ પીઉ તો તેમાં સરકારના નશાબંધીના કાયદાનો ક્યાં ભંગ થાય છે..? દારૂ પીને બહાર મોજ મસ્તી કે કોઇને હેરાન-પરેશાન કરવામા આવે કે દારૂ પીને વાહન ચલાવવામા આવે તો ચોક્કસ તે ચલાવી ના શકાય પણ કોઇ ઘરમાં બેસીને બે પેગ મારીને આરામથી ટીવી જોતાં જોતાં પોઢી જાય તો સરકારને ક્યાં વાંધો હોઇ શકે..? રસપ્રદ દલીલ સાથે રીટને કોર્ટે માન્ય રાખી અને સરકારના એ વાંધાને ફગાવી દીધો કે તેના પર સુનાવણી ના થઇ શકે. એટલે તેના પર સુનાવણી થશે અને કોર્ટ શું નક્કી કરે છે તેના ઉપર પીનારાઓની નજર તો હશે જ…!

રાજકિય નિરીક્ષકો કહે છે કે ધારો કે ગુજરાતમાં કેજરીવાલની પાર્ટી સરકાર બનાવે તો દિલ્હીની જેમ ગુજરાતમા દારૂ પીવાની છૂટી આપશે..? દિલ્હીવાસીઓ માટે તો દારૂ પીવાની સારી દલીલ આપ સરકાર કરે છે કે ભલે 21 વર્ષ વાળા પણ દારૂ પીવે. પણ ગુજરાતમાં..? નશાબંધીમાં કોઇ છૂટછાટ નહીં કે પછી કોઇને નડો નહી એમ ઘરમાં બેસીને થોડી થોડી પીયા કરો….જેવું કંઇક ગતકડુ લાવશે..? કે પછી તેમાં પડાય જ નહીં એમ કહીને હાથ અધ્ધર…? દિલ્હીમાં 21 વર્ષ વાળાને દારૂ પીવાની મંજૂરી આપનાર કેજરીવાલને ગુજરાતમાં પ્રચાર વખતે કોઇ પીધેલો વળી પૂછી પણ શકે કે હું મારો વોટ તમને આપુ અને ગુજરાતમાં તમારી સરકાર બની ગઇ… તો દિલ્હીની જેમ દારૂમાં છૂટછાટ મળશે કે કેમ…? જવાબ…? બાજુમાં બેઠેલા ઇશુદાન ગઢવી કેજરીવાલને ઇશારો કરશે- સાબ જાને દો વો પિધેલા હૈ…?!

કોરોના લોકડાઉન વખતે આખા દેશમાં ગુજરાત અને બિહાર સિવાય દારૂની દુકાનો પણ બંધ હતી સેનેટાઇઝરમાં અમુક ટકા આલ્કોહોલનું પ્રમાણ હોય છે એ જાણ્યાં બાદ કેટલાય નશેડીઓ સેનેટાઇઝર ગટગટાવીને મોતને ભેટ્યા છે. લોકડાઉન બાદ દારૂની દુકાનો ખુલી ત્યારના વાઇરલ વિડિયો જુઓ તો ઓહોહો…કેટલી લાંબી લાઇન અને તે પણ શિસ્તબધ્ધ રીતે. કોઇ ધક્કામુક્કી નહીં..! કેટલીક દારૂની દુકાનનોમાં ગ્રાહકના સંપર્કમાં આવ્યાં વગર સંક્રમણથી બચવા દુકાનની બહાર ખુલ્લાી પાઇપલાઇન મૂકવામાં આવી હતી. કાઉન્ટર પર પૈસા જમા અને દુકાનમાંથી દારૂની બોટલસરરરર… પાઇપલાઇનમાંથી સીધા ગ્રાહકની થેલીમાં…!

નશો નાશનું મૂળ છે. વિદેશમાં દારૂ મોજશોખ કરતાં ઠંડા વાતાવરણમાં શરીરમાં ગરમાવો લાવવા માટે દવાની જેમ પિવાય છે. એટલે જ કહેવાય છે કે દારૂને દવા તરીકે લો તો ફાયદાકારક પણ લિમિટ બહાર લો તો ડંડાલાયક…! મતાધિકાર ભલે 18 વર્ષે મળતો હોય પણ દારૂ પીવાની ઉંમર કાંઇ 18 વર્ષ ના કરાય. ગુજરાતમાં દારૂ છૂટી થાય એમ માનનારાઓ ભલે ખ્વાબમાં રાચે પણ કોઇપણ સરકાર તેમાં કોઇ છેડ કે છાડ કરવાની હિંમત નહીં જ કરે એ ગાંધી આશ્રમની દિવાલો પર વણ લખાયેલું છે….!

 104 ,  1