પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લવાય તો કિંમતમાં થઈ શકે છે આટલો મોટો ઘટાડો?

જાણો કેટલો ભાવ ઘટી શકે છે….

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આમ પ્રજાને ભડકે બળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટી હેઠળ લાવવાની માગ પણ વધી રહી છે. જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ આવરી લેવાય, તો તેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળી શકે તેમ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર આ કરવાના મૂડમાં નથી. આજે 45મી જીએસટી કાઉન્સિલની બેઠક લખનઉમાં મળી રહી છે જેમાં ખબર પડશે કે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTમાં આવરે છે કે નહીં.

આ મિટિંગ પહેલા એક સરકારી અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક અસરથી પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાનું નથી કહી રહી. હાલ રાજ્ય સરકારોને આ અંગેની ટાઈમલાઈન જણાવવા માટે પૂછવામાં આવ્યું છે. જુલાઈ 2017માં દેશમાં જીએસટી લાગુ કરાયો હતો. તે વખતે ક્રુડ, ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારને તેનાથી મોટી આવક થતી હોવાથી તે નિર્ણય લેવાયો હતો.કોરોના બાદ જેમ-જેમ સ્થિતિ સામાન્ય બનતી ગઈ, તેમ-તેમ પેટ્રોલ-ડીઝલની માગમાં વધારો થતો ગયો. બીજી તરફ, વૈશ્વિક બજારમાં પણ તેની કિંમત વધતા ઘરઆંગણે પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયા. કેટલાક રાજ્યો અને શહેરોમાં તો પેટ્રોલે ક્યારનીય સદી ફટકારી દીધી છે. છેલ્લા 11 દિવસથી ભલે તેમની કિંમત સ્થિર હોય, પરંતુ એપ્રિલથી લઈ અત્યારસુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 41વાર વધારો થઈ ચૂક્યો છે.

જો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાય તો શક્ય છે કે તેને 28 ટકાના સ્લેબમાં મૂકવામાં આવે. તેનો મતલબ એમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી તેના પર જે અલગ-અલગ ટેક્સ લેવાય છે તે બંધ થઈ જાય, અને તેના પર આખા દેશમાં એક સરખો એટલે કે 28 ટકા જીએસટી લાગુ પડે. હાલ દિલ્હીમાં પેટ્રોલની મૂળ કિંમત 41 રુપિયાની આસપાસ છે. જેના પર 32.90 રુપિયા એક્સાઈઝ ડ્યૂટી, 3.84 રુપિયા ડીલર કમિશન અને 23.55 રુપિયા વેટ લાગે છે. આ બધાનું ટોટલ કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રુપિયા પર પહોંચે છે.

હવે જો તેને જીએસટીમાં આવરી લેવાય તો 41 રુપિયા મૂળ કિંમત પર 28 ટકા જીએસટી અને 3.84 રુપિયા ડીલર કમિશન ગણીએ તો પણ પેટ્રોલ 101 રુપિયા પ્રતિ લિટરથી સીધું 56.44 રુપિયા પ્રતિ લિટરના સ્તર પર આવી જાય. તેવી જ રીતે, ડીઝલને જો જીએસટીમાં આવરી લેવાય, તો તે હાલની કિંમત 88.62 રુપિયાથી ઘટીને સીધું 55.41 રુપિયા થઈ જાય.

જોકે, રાજ્ય સરકારોને તેમજ કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વિવિધ ટેક્સ પેટે ખૂબ મોટી આવક થાય છે. એક અંદાજ અનુસાર 2020-21ના ગાળામાં કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 3 લાખ કરોડથી વધુ ટેક્સ પેટે આવક થઈ હતી. 2020માં લોકડાઉનને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે કડાકો બોલાયો ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં પણ ધરખમ વધારો ઝીંકી દીધો હતો, જે હાલમાં પણ યથાવત છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સથી વર્ષે પાંચ લાખ કરોડની આસપાસ રુપિયાની આવક મેળવે છે. જો તે જીએસટી હેઠળ આવી જાય તો તેમાં 2 લાખ કરોડનો ઘટાડો થાય તેમ છે. કેટલાક રાજ્યો પણ આ દરખાસ્તનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ખુદ ભાજપ શાસિત કેટલાક રાજ્યો પણ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાના વિરોધમાં છે

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી