જેવા સાથે તેવા નહીં થાઇએ તો ચીન અને કેજરીવાલ પેધા પડી જશે..?

ચીને અમેરિકાને નહીં ભારતને ધમકી આપી છે..?

બીજા પર જૂતા ફેંકનાર પર પત્થરો ફેંકાયા તો લોકશાહી ખતરે મેં…?!

ભાઇ ઇટાલિયા, નીતિન ભાઇએ સાચે જ કહ્યું-વાવશો એવુ લણશો..

ચીન ભારતના બારણે ટકોરા મારે છે, ઉડાડો રાફેલ કરી દો ચીનને ફેલ..!

કેજરીવાલ પ્રચારમાં આવશે ત્યારે કોઇ “ગોપાલ ઇટાલિયા” જાગશે તો..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ફાંટાબાજ કુદરતના કેવા ખેલ છે, જુઓ. ભારતમાં જુલાઇ બેસી ગયો. વરસાદની મોસમ. ધીમી ધારે કે મૂશળાધારે વરસાદની મોસમમાં ઉત્તર ભારતમાં હીટવેવ છે. ગરમીનું મોજુ…રાજસ્થાનમાં 46 ડીગ્રી ગરમી….અને અમેરિકાની નજીકના શીખોના પ્રિય દેશ કેનેડામાં તો એવી ભીષણ ગરમી પડી રહી છે કે 300 કરતાં વધુ લોકો ગરમીને કારણે માર્યા ગયા..! .તો દિલ્હીથી અંદાજે 3500 કિ.મી. દૂર ભારતના પૂર્વ ભાઇબંધ ચીનમાં વળી તાકાત બતાવવાની ગરમી ચઢી છે…!તાકાત અને ગરમી વળી કેવી…? જો હમસે ટકરાયેગા સીધા ઉપર જાયેગા..એવુ નહીં પણ અમને આંખ બતાવનારાની આંખો કાઢી લઇશું…!

મિડિયા ભલે એમ કહે કે ચીને આ ધમકી અમેરિકાને આપી છે. પણ એવુ નહીં હોય. ચીન અમેરિકાની તાકાત જાણે છે. ચીન જાણે છે કે તે ક્યારેય અમેરિકાની જેમ વિશ્વસત્તા બની શકે તેમ નથી. 140 કરોડની વસ્તીએ અમેરિકા પર હુમલો કર્યો હોય તો પણ તે વિશ્વસત્તા ના બની શકે. ચીનની આ ધમકી ભારતને જ છે એમ આપણે માનીને જ ચાલવુ પડે. કેમ કે લેહ-લદાખ સરહદે ચીન સાથેનો વિવાદ અને વિખવાદ હજુ શમ્યો નથી. અને ભારતે વધુ 50 હજાર સૈનિકો એ સેકટરમાં ચીનની સામે ખડકી દઇને પડકાર ફેંક્યો છે કે બોલ , હવે શું કહેવુ છે….! ભારતે ચીનને નિયંત્રણમાં રાખવા જેવા સાથે તેવાની નીતિ અપનાવવી પડે.

આ જેવા સાથે તેવા…જેવા શબ્દો નાયબ મુખ્યંમંત્રી નિતિન પટેલે હમણાં હમણાં ઉચ્ચાર્યા છે. વાત એવી બની કે એક હજાર કિ.મી. દૂરની આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા નવા નેતાઓ ઝાડુ લઇને જૂનાગઢ બાજુ વિસાવદરમાં જઇ રહ્યાં હતા ત્યારે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મિડિયાકર્મીમાંથી નાયક ફિલ્મની જેમ સીએમ બનવાના સપના જોનાર ઇશુદાન ગઢવીની કાર પર હુમલો થયો. તેમની ભેળા મહેશ સવાણી પણ હતા. ઓળખ્યા મહેશ સવાણીને…? સુરતના ધનપતિ. હમણાં આપ પાર્ટીની ટોપી પહેરી, એ. બધા પ્રચાર માટે જતા હતા ત્યા કોઇ લોરિયા ગામે લોકોએ હાથમાં બેનરો લઇને અટકાવ્યા. તમે બ્રહ્મ સમાજનું અપમાન કર્યુ છે..તમે બ્રાહ્મણ વિરોધી છો…એમ કહીને બોલાચાલી અને પછી દે દનાદન…!

ઇટાલિયા અને ઇશુના ઇશ્વર સમાન અ. કેજરીવાલે ટ્વીટ કર્યુ- ગુજરાતમાં કોઇ સલામત નથી..યે ક્યા હો રહા હૈ..! આ બનાવ પછી પાટીદાર અને નાયબ સીએમ પટેલે ઇટાલિયાને યાદ કરાવ્યું- ભૂતકાળમાં જેમણે અમારા નેતાઓ પર જૂતાં ફેંક્યા..જેમણે જેવુ કર્યું તેને તેવુ સહન કરવાનો વારો આવ્યો તો કેવુ લાગ્યું…? કેવા તમતમી ગયા..! અમારી સભામાં કાળા વાવટા બતાવતા હતા, ગરબડો કરતા હતા ત્યારે અમને કેવુ લાગ્યુ હશે…હવે તમારો વારો…ભોગવો ત્યારે…એમ કહીને ઇટાલિયાની સાથે આપ પાર્ટીને ને પણ ધોઇ નાંખી.

આ એજ પાટીદાર ભડવીર નેતા છે કે જેમણે 2017ની ચૂંટણીમાં નવા સવા નેતા હાર્દિક પટેલને એક જાહેર મંચ પરથી એવા તતડાવ્યા…એવા તતડાવ્યા..કે મિડિયા સહિત સૌએ પહેલીવાર શાંત સ્વભાવના એવા નિતિન પટેલને ગુસ્સે થતાં જોયા હતા. અને બોલ્યા પણ કેવુ…હાર્દિક તારા જેવા તો કેટલાય રાજકારણમાં આવી ગયા અને ક્યાં ખોવાઇ ગયા….! ચૂંટણી પછી તું ક્યાં ખોવાઇ જઇશ ખબર પણ નહી પડે..તું છે કોણ…?!! પાટીદાર નેતાની વાત સાચી. હાર્દિક ક્યાં ખોવાઇ ગયો ખબર જ નથી…

કેજરીવાલે ગુજરાત માટે જેમને પસંદ કર્યા છે તે ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં નીતિન પટેલની સામે જૂતાં ફેંક્યા છે, કાળા વાવટા બતાવ્યાં છે અને એ બધુ જાણે કે આપ પાર્ટીના નેતા બનવાની લાયકાત હોય તેમ ગો…ગો…ગોવિંદાની જેમ ગોપાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં.! ભૂતકાળ તો નડે ને…! અને કેજરીવાલે કેટલા થપ્પડો ખાધા છે દિલ્હીમાં…? હજુ તો શરૂઆત છે. તેમાં વળી ઇટાલિયા ઉવાચ- ગુજરાતને બીજુ બંગાળ બનતા અટકાવો…રાજકિય નેતાઓના કાફલા પર હુમલા થાય છે..! રાજકારણની પાઠશાળાના બાલ અને ગોપાલ.., ચૂંટણી એક જંગ છે. એટલે એ બધુ તો..રહેવાનું છે. જેવુ વાવશો એવુ લણશો..બાવળ વાવો અને પછી કહે કે કેરી લાવો…એવુ હોય…? જેવા સાથે તેવા…જૈસી કરની વૈસી ભરની….!

ભારતે પણ જેમ પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઇક…બાલાકોટ હુમલો કરીને ખોંખરૂ કરી નાંખ્યું તેમ લેહલદાખ સેકટરમાં ચીને ફડાકો બતાવી દેવો જોઇએ. ચીને પોતાની તરફ સૈનિકો વધાર્યા તો ભારતે પણ વધાર્યા પણ એ કાયમી ઉકેલ નથી. એક જ સેકટરમાં એક લાખ સૈનિકોનો જમાવડો સૈન્ય રણનીતિ પ્રમાણે પણ યોગ્ય ના કહી શકાય. દુશ્મને ડરાવવાની સાથે કેજરીવાલને ઝાપટ પડી તેમ ચીનને ઝાપટ મારવી જ પડશે. ચીનને લાખો સૈનિકો ભારતની સામે મૂકવા પોષાય. ભારતને નહીં. ભારતની પાસે લાવલશ્કર કેટલુ ..? બધુ કાંઇ ચીનની સામે સૈન્ય વપરાય તો પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ કાંઇ ભારતના ભાઇબંધ રાષ્ટ્રો નથી કે ભારતની પડખે ઉભા રહે.. ચીન ધીમે રહીને શ્રીલંકા પહોંચી ગયુ અને એક બંદર હસ્તગત કરીને ભારતથી માત્ર 240 કિ.મી. દૂર આવી ગયુ છે…! નેપાળ દ્વારા લગોલગ આવી ગયુ છે, ભૂતાન દ્વારા બારણે ટકોરા મારે છે…મ્યાનમારમાં પણ ચીનની બદમાશી છે, જેનો એકમાત્ર હેતુ મ્યાનમાર સેના દ્વારા કબ્જે કરીને ભારતને પરેશાન કરવું. કેમ કે મ્યાનમાર નેપાળની જેમ ભારતની સાવ અડોઅડ છે.

ઓવર ટુ ગુજરાત…નીતિનભાઇની વાત સાચી લાગે છે. જેવા સાથે તેવા. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને સમજાઇ રહ્યું હશે કે જૂતાં ફેંકવાથી શું થાય…કોઇને કાળા વાવટા બતાવીએ તો કોઇ આપણને પણ વિરોધમાં બેનરો બતવવાના જ છે. બની શકે કે ચૂંટણીઓ સમયે કેજરીવાલ ગુજરાત આવશે તો…? વિસાવદરવાળી કે થપ્પડવાળી… ? ગુજરાત શાંત છે. ગુજરાત કોઇને છેડતું નથી અને ગુજરાતને કોઇ છેડે તો ગુજરાત છોડતુ નથી…! જય જય ગરવી ગુજરાત….

 37 ,  1