નોકરીના ઓન લાઇન ઇન્ટરવ્યુ માટે ફોન આવે તો ચેતી જજો, નહીંતર પસ્તાશો!!

નોકરી મેળવવા યુવકે ભરેલા પૈસા ખોવા પડ્યા, નોકરી ન મળી

રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ઓનલાઇન જુદી જુદી રીતે લોકોને છેતરતા ઠગો બેફામ બન્યા છે. અવનવા કિમીયા અપનાવી ઠગો લોકોને છેતરી રહ્યાં હોવાના સંખ્યાબંધ કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે નોકરીના ઓન લાઇન ઇન્ટરવ્યુ માટે ફોન કર્યા બાદ જુદી જુદી ફી ભરાવી તે પૈસા રિફન્ડ મળશે તેમ કહી રામોલના યુવક સાથે ઠગાઇ આચરવામાં આવી છે. આ મામલે યુવકે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના રામોલ વિસ્તારમાં દીપક મનહરલાલ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 10 ઓગષ્ટ 2020ના રોજ દીપકના મોબાઇલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું કરીયર એડવાઇઝર દિવ્યા વાત કરું છું. અમારી બે કંપનીમાં જોબની વેકેન્સી છે તમારે નોકરી કરવી છે. જેથી દીપકે હા પાડી હતી. જેથી યુવતીએ જણાવ્યું હતું કે, તમારું ઓનલાઇન ઇન્ટરવ્યુ થશે અને સિલેક્ટ થાવ તો કન્સલટીના રૂ.2000 ઓનલાઇન પે કરવાના રહેશે.

ત્યારબાદ તમે સિલેક્ટ થશો તો ઓનલાઇન ઓફર લેટર મોકલી આપવાના આવશે. ત્રણ દિવસ બાદ અજાણ્યા નંબરથી ઇન્ટરવ્યુ માટે ફોન આવ્યો હતો અને નોકરીને લગતી માહિતી પુછી અને પછી 2000 દિકે ઓનલાઇન મોકલી આપ્યા હતા. પછી દીપકને ઇ મેલ મારફતે ઓફર લેટર આવી ગયો હતો. ઓફર લેટર આવ્યા બાદ પછો ફોન આવ્યો હતો અને વેરીફિકેશનના 6800 ભરવા પડશે તે વેરીફિકેશન પછી પાછા મળશે તેમ જણાવ્યું હતું.

જેથી દીપકે ફરી 6800 ઓનલાઇન ભર્યા હતા. ત્રણ દિવસ બાદ ફરી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારું વેરીફિકેશન થઇ ગયું છે જેથી હાર્ડ કોપી તમારા ઘરે અમે મોકલી આપીશું. જેના ચાર્જ પેટે તમારે 12850 ઓનલાઇન ટ્રાન્સફર કરવા પડશે આ પૈસા પણ તમને રીફન્ડ કરવામાં આવશે. જેથી વધુ એક વખત દીપકે 12850 ટ્રાન્સફર કર્યા હતા.

પૈસા ભર્યા બાદ ફરી ફોન આવ્યો હતો અને 20000 એનઓસી ચાર્જ પેટે ભરવાના રહેશે નોકરી બાદ તે પણ રિફંડેબલ છે. નોકરીની લાલચમાં દીપકે વધુ 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આમ નોકરીની લાલચમાં એક અઠવાડિયામાં દીપકે 41650 ઓનલાઇન મોકલી આપ્યા હતા.

નોકરી ન મળી, લોનના બહાને 60 હજાર ખંખેરી લીધા

નોકરીની એનઓસીના 20 હજાર ભર્યા બાદ દીપકને તે જ દિવસે બીજા નંબરથી ફોન આવ્યો હતો અને પર્સનલ લોન માટે જણાવ્યું હતું. દીપકે લોન લેવા માટે તેના દસ્તાવેજ વોટ્સ એપ કર્યા હતા. ત્યારબાદ પુજા શર્મા નામની યુવતીએ ફોન કર્યો હતો અને એગ્રીમેન્ટ ચાર્જ પેટે 5700 ભરવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી દીપકે 5700 રૂપિયા ભર્યા હતા. ત્યારબાદ ફોન જે નંબર પરથી નોકરી માટે ફોન આવ્યો હતો. તે જ નંબરથી જુદા જુદા ચાર્જ બહાને પૈસા ભરવાનું કહેવામાં આવતા દીપકને શંકા ગઇ હતી. જેથી તેણે પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા.

જો કે, દીપક 41650 ચુકવવા છતા નોકરી મળી ન હતી અને 5700 ચુકવવા છતા લોન મળી ન હતી. જો કે, બન્ને મુદ્દે ઠગોએ તેની પાસેથી 60 હજાર ખંખેરી લીધા હતા.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર