‘વન નેશન, વન રેશન કાર્ડ’નો કરાવો અમલ : સુપ્રીમ કોર્ટ

ગુજરાત સહિત કુલ ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની યોજના દાખલ કરી

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ‘વન નેશન, વન રેશન કાર્ડ’ સ્કીમને અમલમાં મુકવાની સૂચના આપી છે. આ યોજનામાં પ્રવાસી મજૂરોને તેમના કામના સ્થળે રેશન લેવાની છૂટ અપાઇ છે. આવી જ રીતે જ્યાં તેમના રેશન કાર્ડ્સ નોંધાયા નહિ હોય ત્યાં પણ તેઓ રેશન મેળવી શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી માટે એક સોફ્ટવેર વિકસાવવામાં થયેલા વિલંબ મામલે કેન્દ્રની આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કેન્દ્રને સવાલો કર્યા છે કે, રેશન કાર્ડ્સ નહિ ધરાવતા પ્રવાસી મજૂરોને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ હેઠળ આ વર્ષે નવેમ્બર સુધીમાં મફત અનાજનો લાભ કેવી રીતે પહોંચશે ?

રિપોર્ટ્સ અનુસાર ,જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એમ આર શાહની બનેલી વેકેશન બેન્ચે નવી અરજી પર તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામ જેવા રાજ્યોએ અત્યારસુધી ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની યોજના અમલમાં મુકી નથી. આધાર નંબર જેવા અનેક પ્રશ્નો છે તેને કારણે પશ્ચિમ બંગાળમાં તેનો અમલ કરાયો નથી. તેમ તેમના વકીલે રજૂઆત કરતાં બેન્ચે આકરા શબ્દોમાં કહ્યું હતું કે ‘તમારે તેનો અમલ કરવો જોઇએ. બેન્ચે કહ્યું હતું કે જેમની પાસે રેશન કાર્ડ્સ નથી તેવા માઇગ્રેન્ટ્સ કામદારો કેવીરીતે કલ્યાણકારી યોજનાના લાભો મેળવી શકશે ?

અત્રે ઉલ્લેખનીય છે કે ,ગુજરાત સહિત કુલ ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની યોજના દાખલ કરી છે. તેમાં ઉત્તરાંખડ સૌથી છેલ્લે ઉમેરાયું છે. તેમ નાણાં મંત્રાલયે અગાઉ જારી એક રિપોર્ટમાં જણાવ્યું હતું. તેમના રાજયની જીએસડીપીના ૦.૨૫ ટકા વધારાનું ઋણ આપવાની જોગવાઇ છે. એ મુજબ આ રાજ્યોને ખર્ચ વિભાગ તરફથી ~ ૩૭,૬૦૦ કરોડના વધારાની ઋણ લેવાની પરવાનગી અપાઇ છે.

 44 ,  1