આવકના પ્રમાણપત્રોની સમય મર્યાદાને લઈ મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય

આવકના પ્રમાણપત્રોની મર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કર્યા..

નવી સરકાર નિર્ણાયક સરકાર બને તે દિશામાં વર્તમાન મુખ્યમંત્રી પ્રયાસ કરી રહ્યાં છે. નવા મંત્રીમંડળની રચના બાદ એક બાદ જનહિતલક્ષી જાહેરાત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકહિતની ચિંતા કરતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોકો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે છે અને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે થઇને સરકારે આવકના પ્રમાણપત્રોની મર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરી દીધી છે.

સરકારના નિર્ણયથી રાજ્યમાં ડિજીટલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે. રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. પરંતુ હવે આ પ્રમાણપત્રો 3 વર્ષ સુધી માન્ય ગણાશે. એટલે લોકોને વિવિધ યોજનાઓના લાભ માટે આવકના પ્રમાણપત્ર વારંવાર લેવા માટે કચેરીના ધક્કા નહી ખાવા પડે.

હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી