September 19, 2021
September 19, 2021

આંજણા સમાજની મહાપંચાયતમાં લેવાયા મહત્વના નિર્ણય

લડાઈ ચાલુ રહેશે, ભાજપને પોતાની જીદ ભારે પડી શકે..!

વડગામ ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ ચૌધરી સમાજ વિરૂદ્વ કરેલી ટિપ્પણીને લઈ વિવાદ વધુ વકરી રહ્યો છે. આજણા-ચૌધરી સમાજની મગરવાડા ખાતે મળેલી મહાપંચાયતમાં વડગામ ભાજપ વિરુદ્વ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મહાપંચાયતમાં ભાજપ વિરૂદ્વ રોષ ભભૂકી ઉઠ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાન ઠેકાણે લાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રદેશ ભાજપમાં ચૌધરી સમાજ દ્વારા વડગામ તાલુકા પ્રમુખને હટાવવાની માગ કરવામાં આવી હતી. પરંતુ ભાજપ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આંજણા સમાજની માગને અવગણી ભાજપ પોતાના મગરૂર હોદ્દેદારને છાવરી રહી છે. ભાજપ હવે પ્રવીણસિંહ રાણાને હટાવવાના મૂડમાં નથી ત્યારે આંજણા સમાજ દ્વારા પણ વડગામ વિધાનસભા વિસ્તારમાં ભાજપના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 37 વિઘાનસભા બેઠકો પર આંજણા ચૌધરી સમાજ સીધી અસર ધરાવતો સમાજ છે. જે પક્ષ સમાજનું સન્માન નહી જાળવે તેવા પક્ષને ચૂંટણીમાં સમર્થન નહી આપવાનો પણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.

મગરવાડા ખાતે આંજણા સમાજના તમામ ગોળ-ઝલાના તમામ પ્રમુખો-મંત્રીઓ-કારોબારીઓ મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વડગામ તાલુકામાં ભાજપની સભાઓમાં આંજણા સમાજનો કોઈ નેતા કે સમાજના પ્રતિનિધીઓએ ઉપસ્થિત નહીં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંજણા સમાજના ભાજપના પાંચ આગેવાનો પર સમાજદ્રોહ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ આગેવાનોને ચીમકી આપવામાં આવી છે કે, જો આ આગેવનો સમાજ સાથે નહીં રહે તો તેમની સાથે છેડો ફાડવામાં આવશે. ચૌધરી સમાજના એકપણ નેતાને વડગામ તાલુકામાં ભાજપના મંચ પર બેસવા નહી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની માંગ નહી સંતોષાય તો 2022ની વિધાનસભાની ચુંટણીમાં આંજણા સમાજ શક્તિ દેખાડશે.

 49 ,  1