ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ મહત્વના સમાચાર, પ્રવેશ માટે આવી હશે ગુણ પદ્ધતિ

એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર થશે

કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ (SBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. 

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. માસ પ્રમોશન બાદ એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. ગુજકેટ (GUJCET) અને ધોરણ 12ના ગુણની ટકાવારીમાં ફેરફાર કરી મેરીટ લિસ્ટ બનાવી અપાશે.

આ વર્ષે પ્રવેશ માટે ગુજકેટ (GUJCET) ના 50 ટકા અને ધોરણ 12 ના પરિણામના 50 ટકા ગુણભારના માધ્યમથી મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટના 60 ટકા અને ધોરણ 12 પરિણામના 40 ટકા ગુણભાર મુજબ મેરીટ લિસ્ટ તૈયાર કરી પ્રવેશ આપવામાં આવતો હતો.

કોરોના મહામારીમાં અપાયેલા માસ પ્રમોશનને કારણે આ વખતે મેરીટ લિસ્ટ બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થશે. ગુજકેટ અને ધોરણ 12ના પરિણામના 60 – 40 ટકા ના બદલે આ વખતે 50 – 50 ટકા મુજબ પર પ્રવેશ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 

તો બીજી તરફ ધોરણ 12 સાયન્સના B ગ્રુપના એટલે કે બાયોલોજી (Biology) સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગના 15 વિષયોમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે. બાયો ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, એગ્રીકલચર ટેકનોલોજી જેવા 15 એન્જીનીયરીંગના વિષયોમાં અભ્યાસ માટે તક આપવામાં આવશે. 

આ વર્ષથી જ 15 જેટલા જુદા જુદા એન્જીનીયરીંગના કોર્ષમાં બી ગ્રૂપ સાથે ધોરણ 12 પાસ થનાર વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવામાં આવશે. બાયોલોજી સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરી એન્જીનીયરીંગનો કોર્ષ કરનાર વિદ્યાર્થીઓને ગણિત વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. આવતા વર્ષથી બાયોલોજીના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગના તમામ વિષયોમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવે તેવી કરાઈ ગોઠવણ રહી છે.

ગણિત વિષયનો નિશ્ચિત અભ્યાસ કરી બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગના કોર્ષમાં અભ્યાસ લઈ શકશે. જો કે આ અંગે આવતા વર્ષના સત્રથી વ્યવસ્થા કરાશે. ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ સત્તાવાર જાહેરાત કરી તમામ 15 વિષયોની જાણકારી આપશે.

 69 ,  1