અમદાવાદ : ઉછીના પૈસાની તકરારમાં સાળાઓએ ભેગા થઈ બનેવીને ઢોર માર માર્યો

ઓઢવ પોલીસે બંન્ને સાળાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી

ઓઢવમાં રહેતા બનેવીએ બંન્ને સાળાઓને ઉછીના આપેલા પૈસા પરત માંગ્યા તો બંન્ને સાળાઓએ બનેવીને ઢોરમાર માર્યો હતો. આ અંગે બનેવીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને સાળાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવના મધુમાલતી ચાર માળીયામાં રહેતા મુકેશભાઈ છુટકમાં કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશભાઈના સાળા ચંદનકુમાર અને લક્ષ્મણભાઈ જયસ્વાલ અવાર નવાર મુકેશભાઈ પૈસાથી ઉછીના પૈસા લેતા હતા. જો કે તે પૈસા મુકેશભાઈ પરત માંગતા તો બંન્ને જણા પછી આપી દઈશુ તેમ રહેતા હતા. દરમિયાન ગુરુવારે રાત્રીના સમયે મુકેશભાઈ તથા તેમના બે સાળા ઘરે હાજર હતા ત્યારે મુકેશભાઈએ બંન્ને સાળા પાસે ઉછીના પૈસા માંગ્યા હતા. ત્યારે બંન્ને શાળા ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

દરમિયાન અચાનક જ લક્ષ્મણ લાકડાનો દંડો લઈ આવ્યો હતો અને મુકેશભાઈના માથાના ભાગે તથા બરડાના ભાગે ફટકા મારવા લાગ્યો હતો. જેથી મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો આવતા જ લક્ષ્મણ અને ચંદનકુમાર બંન્ને ત્યાંથી તકનો લાભ લઇ પલાયન થઇ ગયા હતા. બીજી બાજુ મુકેશભાઈને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ઓઢવ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે મુકેશભાઈએ બંન્ને સાળાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 57 ,  1