અમદાવાદમાં હવે જાહેરમાં ઘાસચારો વેચનાર સામે થશે કાર્યવાહી

રખડતાં ઢોર પર કાર્યવાહી બાદ હવે AMCનો કડક નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં રખડતા ઢોર અને જાહેરમાં વેચાતા ઘાસચારા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની કમિટીમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ બાબતે ચર્ચા થઈ છે. મંદિર નજીક ઘાસચારાના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામા આવ્યા છે. તેમજ શહેરની વચ્ચે અનેક જગ્યાએ ઊગેલ ઘાસચારાનો નાશ કરવાના આદેશ પણ અધિકારીઑને આપી દેવામાં આવ્યા છે.

આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં જાહેરમાં તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ જ્યાં પણ ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે, આ લોકોને ત્યાંથી દૂર કરવા અને ઘાસચારો ન વેચવા દેવા સૂચના આપવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે જે પણ જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરે છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, રખડતાં ઢોર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. રસ્તે રખડતાં ઢોરને પકડવા માટે CNCD વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફ વધારવામાં આવ્યો છે. પહેલા સવારે 4 અને સાંજે 4 એમ કુલ 8 ટીમો કામ કરતી હતી. હવે વધુ પાંચ ટીમો વધારી છે કુલ 14 ટીમો કામ કરે છે છતાં ઢોર પકડવાની કામગીરી ઢીલી છે. રોજના 80 જેટલા ઢોર પકડવામાં આવતા હતા. અત્યારે ફરી 50 જેટલા ઢોર જ પકડવામાં આવેછે જેથી રખડતા ઢોર પડકવા કડક સુચના આપી છે. રખડતાં ઢોરની પકડવાની ટ્રેલરમાં GPS લગાડવા માટે પણ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે.

ગુજરાતના નાનાથી માંડી મોટા શહેરોમાં રખડતા ઢોરથી નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. એકાદ મહિના પહેલા આખરે સી આર પાટીલ એક જાહેર કાર્યક્રમમા મનપાને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા તંત્ર એક્શનમા આવ્યું હતું અને કાર્યવાહી કરી અનેક રખડતા ઢોરને પકડી વ્યવસ્થા કરેલી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પણ હજુ પણ કેટલીક એવી નજીવી બાબતો છે જે રખડતા ઢોરને નિયત્રિત કરવા માટે જરૂરી છે આથી આજે મળેલી બેઠકમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે મંદિર તેમજ અન્ય જગ્યાએ, જાહેરમાં વેચાતો ઘાસચારો લઈ પશુઓને ખવડવામાં આવતા અનેક જગ્યાએ ટ્રાફિકની મોટી પરેશાની સામે આવી હતી. પહેલા રખડતા ઢોર પર નિયંત્રણ અને હવે જાહેરમાં ઘાસચારાના વેચાણ પર મનાઇ કરવામાં આવતા આવનાર દિવસોમાં ગુજરાતના શહરોમાં રખડતાં ઢોર પર કાબૂ મેળવી લેવાય તો નવાઈ નહીં.

 156 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી