September 25, 2020
September 25, 2020

અમદાવાદમાં ધોવાયો વિકાસ..! ઠેર ઠેર રસ્તા તૂટતાં ખાડાઓ, વાહનચાલકો પરેશાન

વરસાદ આવતા મેગા સીટી બને છે ખાડા સીટી..! ભ્રષ્ટાચારની ચાડી પોકારે છે ખાડાઓ

અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ છતી કરી છે. સતત પડી રહેલા વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા છે. રેતી, કપચી અને ડામરનો સંગમ તૂટતા ઠેર ઠેર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. જ્યારે વરસાદને લઇને અનેક જગ્યાએ રસ્તા ધોવાયાં છે. ત્યારે એક તરફ શહેરના મેયરે સ્વચ્છ શહેરમાં અમદાવાદનો ટોપ-ટેનમાં સમાવેશ બદલ સફાઇ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીને લઇને શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.

શહેરના પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ તથા બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી ગઈ હતી. મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાઈ ગયા છે.

શહેરના રિંગ રોડ પર સફર શરૂ કરો તો ઠેર ઠેર રસ્તા તૂટેલા ખાડા જોવા મળશે. પરંતુ ઓઢવ વસ્ત્રાલ રિંગરોડ પર 4 થી 5 કિલોમીટર સુધી સતત રોડ પર ખાડા પડ્યા છે અને રોડ સાવ તૂટી ગયો છે.

અમદાવાદમાં વરસાદના કારણે મોટાભાગના રસ્તોઓ ધોવાયા છે. સુભાષબ્રિજથી ચાંદખેડા તરફનો માર્ગ ધોવાયો છે. સુભાષબ્રિજથી ચાંદખેડાના માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે. સુભાષબ્રિજ-સાબરમતી વચ્ચેના રસ્તા પણ બિસ્માર હાલતમાં છે. પ્રથમ વરસાદ બાદ રસ્તા ધોવાયા છતાં કામગીરી કરવામાં આવી નથી.

અધિકારીઓ અને નેતાઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર ખુલ્લી પડી ગયા હોવાનું જણાવી રહ્યા છે કારણ કે હજુ સુધી અમદાવાદમાં કોઈ ખાસ વરસાદ પડ્યો નથી તેમ છતાં સામાન્ય વરસાદના આખો રોડ ઉખડી જતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે. એવામાં આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેવો ડર વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં અનેક સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને વરસાદ વરસ્યા બાદ, મોટાભાગના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે અને મસમોટા ખાડાઓ રાતોરાત સર્જાતા હોય છે. પ્રજાના કરવેરાના નાણામાંથી બનાવાતા રસ્તાઓ એવા તો કેમ બને છે કે ચોમાસામાં થોડો ઘણો વરસાદ વરસે એટલે રોડ ઉપર પાથરેલો ડામર, ભ્રષ્ટાચાર પોપડાની માફક ઉખડવા માંડે છે. રોડ રસ્તા બનાવવા માટે કેટલાક ચોક્કસ નીતિ નિયમો છે. આ નીતિ નિયમોનુ અધિકારીઓ અને રોડના કોન્ટ્રાક્ટરોની મીલીભગતને કારણે ચુસ્ત પાલન થતુ નથી. જેના કારણે જ રોડ ઉપરના ડામર ઉખડી જઈને વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી પોકારે છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર