રાજકોટ : આટકોટમાં વિધવા બહેન પ્રેમી સાથે ભાગી જતાં પાછી લાવી ભાઇએ છરીના ઘા ઝીંકયા

મહિલાને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ

આટકોટમાં જસદણ ચોકડીએ રહેતી જ્યોત્સનાબેન કાળુભાઇ સાડમીયા (ઉ.વ.૨૭) નામની દેવીપૂજક વિધવાને તેના જ સગા ભાઇ અશોક કાળુભાઇ વાઘેલાએ પેટ અને ગળા પર છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યોત્સનાબેનને સાંજે તેના ભાઇએ છરીના ઘા ઝીંકી દેતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં તાકીદે ઓપરેશનમાં લઇ જવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહે આટકોટ પોલીસને જાણ કરી હતી.

જ્યોત્સનાબેનની માતાના કહેવા મુજબ જ્યોત્સનાબેનના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થઇ ગયું છે. તેણી થોડા દિવસ પહેલા બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઇ હતી અને સંતાનોને પણ સાથે લઇ ગઇ નહોતી. આ કારણે મારા દિકરા અશોકને ગુસ્સો ચડ્યો હતો. તે જ્યોત્સનાને પાછી લાવ્યો હતો અને બાદમાં ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 60 ,  1