ભાવનગર : વૃદ્ધા પર ઘાતક હુમલો કરી ઘરેણાંની લૂંટ ચલાવનાર બદમાશોની ધરપકડ

સિહોર તાલુકાના ભુતિયા ગામનો બનાવ, એક કિશોર સહિત ત્રણની ધરપકડ

સિહોર તાલુકાના ભુતિયા ગામે વૃદ્ધા ઘરે એકલાં હતા તે સમયે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી માથાના પાછળના ભાગે હુમલો કરી વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાંની લૂંટ કર્યાંની ઘટના સામે આવી હતી. આ મામલે એક મહિના બાદ પોલીસે એક કિશોર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

વિગત મુજબ, તા. 01/06/2021નાં સિહોર તાલુકાના ભુતિયા ગામે લક્ષ્મીબેન મનજીભાઈ માંડવીયા પોતાના ઘરે એકલાં હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી માથાના પાછળના ભાગે હુમલો કરી બેભાન કરી દીધાં બાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલાં એક-એક તોલના પોખાની બે નંગ જેની કુલ કિંમત 50,000 લુંટી લીધાં હતા. આ મામલે વૃદ્ધાના પુત્ર પ્રવિણભાઈ મનજીભાઈ માંડવીયાએ અજાણ્ય ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે પોલીસે લૂંટનો ગુનો નોંધી આ ગુન્હાનો ભેદ ઉકેલવા સીટની રચના કરી વિવિધ ટિમો કામે લગાડી હતી. ગુન્હાની તપાસ દરમ્યાન આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરતા લુંટ કરવા માટે રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં સાગરીતોની ગેંગનો હાથ હોવાની પોલીસ ને બાતમી મળી હતી.

આ લુંટ તેઓએ જ કરી હોવાની અને લુંટનો મુદ્દામાલ સગે-વગે કરી નાખ્યો હોવાની માહિતીના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી જેમાં  એલ.સી.બી. સ્ટાફનાં માણસોને રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તેનાં બે સાગરીતો સાથે મોટર સાયકલ ઉપર રાજકોટ રોડ પરની સોનગઢ-પાલીતાણા ચોકડી થઇને પાલીતાણા તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળતા, પોલીસે પાલીતાણા ચોકડી પર અને જીંથરી પાસે આવેલ તોરણ પાર્ક હોટલ પાસે વોચ ગોઠવી હતી.

ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં બે સાગરીતો ભરત ઉર્ફે બોડિયો ગંભીરભાઇ પરમાર રહે. જામનગર તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર મોટર સાયકલ સાથે પસાર થતા પોલીસે તેને ઝડપી લીધા હતા અને પોલીસ મથકે લાવી તેઓની ઉપરોકત ગુન્હા અંગે આગવી ઢબે પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત ગુનો કર્યો હોવાનું કબૂલાત કરી હતી.

આ ઉપરાંત આરોપીઓએ ભાવનગર તથા બોટાદ જિલ્લામાં પણ અન્ય ગુનાહિત કૃત્યો આચાર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસે ભરત ઉર્ફે બોડિયો, રણજીત તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત ત્રણ ની ધરપકડ કરી હતી તેમજ લૂંટારુઓનું બાઇક કિંમત રૂ 40,000 કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 57 ,  1