દાણીલીમડામાં રીક્ષા ચાલક અને સાગરીતે યુવકને માર મારી લૂંટી લીધો

બાલાસિનોરના યુવકે ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ

શહેરના દાણીલીમડા વિસ્તારમાં મોડી રાતે ‌રીક્ષાચાલક અને તેના સાગરીતો એક યુવકને ટોમી વડે માર મારી પગારના રૂપિયા તેમજ ચાંદીનું કડું લૂંટી ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બાલાસિનોર રહેતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

મૂળ બાલાસિનોર રહેતા અરવિંદભાઈ ઠાકોર હાલ વાસણા ખાતે આવેલ સવેરા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં કામ કરે છે. ગઈ કાલે ઉત્તરાયણના   દિવસે અરવિંદભાઈ વાસણા હોટલમાંથી પગાર રૂ.3500 લઈ ગીતામંદિર એસટી સ્ટેન્ડ  તેમના ગામનો કોઇ માણસ મળી જાય તો તેની સાથે માતાને પૈસા મોકલી દઉં એમ વિચારી ગયા હતા, જો કે અરવિંદભાઈએ આઠ વાગ્યા સુધી રાહ જોઇ, પરંતુ કોઈ તેમના ગામનું મળ્યું ન હતું, જેથી અરવિંદભાઈ પરત વાસણા જવા માટે નીકળ્યા હતા.

અર‌વિંદભાઈ ગીતામંદિર બસ સ્ટેન્ડથી વાસણા જવા રિક્ષામાં બેઠા હતા. ‌ત્યારે રિક્ષામાં અગાઉથી બે પેસેન્જર બેઠેલા હતા. રિક્ષાચાલક અરવિંદભાઇને વાસણાની જગ્યાએ નારોલ ગામ ચંડોળા તળાવ તરફ લઇ ગયો હતો. ‌રીક્ષાચાલક અને તેના સાગરીતોએ અર‌વિંદભાઈને જે કંઈ હોય તે આપી દેવા કહ્યું હતું, જોકે અરવિંદભાઇએ આપવાની ના પાડતાં બે યુવકોએ અરવિંદભાઈને પકડી ગડદાપાટુંનો માર માર્યો હતો.

જોત જોતામાં રિક્ષાચાલક રિક્ષાની ડેકીમાંથી લોખંડની ટોમી લઇ આવી અરવિંદભાઈ પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ રીક્ષાચાલક અને તેના સાગરીતો અર‌વિંદભાઈ પાસે રહેલા 3500 રૂપિયા તેમજ ચાંદી કડું લૂંટી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત થતા અરવિંદભાઇને  સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે દાણીલીમડા પોલીસને જાણ થતા ‌રિક્ષાચાલક અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર