ગાંધીનગર મનપા ચૂંટણીમાં સરેરાશ 56.51 ટકા મતદાન, ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો

 કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી

મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઇકાલે મતદાન યોજાયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના 11 વોર્ડમાં સરેરાશ 56.51 ટકા મતદાન થયું હતું. ગાંધીનગરના કુલ 11 વોર્ડમાં પૈકી વોર્ડ 1 માં 65 ટકા મતદાન થયું હતું. વોર્ડ 2 પેથાપુરમાં 64 ટકા, વોર્ડ 3 માં 53.66 ટકા, વોર્ડ 4 61.16, વોર્ડ -5 માં 41.73, વોર્ડ 6 માં 48.69, વોર્ડ 7માં 66.94, વોર્ડ 8 માં 55.05, વોર્ડ 9 માં 52.11, વોર્ડ 10 માં 52.67, વોર્ડ 11માં 60.60 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રકારે સરેરાશ 56.51 ટકા મતદાન નોંધાયું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી વધારે મતદાન કોલવાડ-વાલોલ વોર્ડ નંબર 7 માં થયું હતું. તો સૌથી ઓછુ મતદાન પંચદેવ વોર્ડ નંબર 5 માં 41.73 ટકા થયું હતું. આ પ્રકારે કહી શકાય કે શહેરી વિસ્તારમાં ઓછું જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા વધારે મતદાન થયું હતું. ભાજપ માટે આ આબરૂનો સવાલ છે. આ વિસ્તાર ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા વિસ્તાર પણ છે. આ ઉપરાંત અહીં વિપક્ષી પાર્ટીઓનો દબદબો રહ્યો છે. તેમાં પણ આ વખતે આપની દખલ પણ વધી હતી. તેવામાં આ વખતે ભાજપ માટે આ અગ્નિ પરીક્ષા સાબિત થઇ રહી છે. 

જો કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલો થયાનું સામે આવ્યું હતું. કુડાસણમાં ભાજપ અને આપ વચ્ચે ખુરશીઓ ઉછળી હતી. સેક્ટર 6 માં કાળી કારમાં આવેલા કેટલાક ઇસમો દ્વારા માથાકુટ કરાયાનો આક્ષેપ છે. આ કાર્યકરો આપના હોવાનો આક્ષેપ છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. તો આપ દ્વારા ભાજપના કાર્યકરો પ્રતિબંધિત વિસ્તારમાં પણ ભાજપનો ખેસ પહેરીને ફરી રહ્યા હોવાના આરોપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. 

આપના કાર્યકરોને પોલીસે ડિટેન કરતાં આપની ટીમ કલેક્ટરને મળવા ગઇ હતી. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ હેરનગતી કરે છે, જે અંગે અમે કલેક્ટર કુલદીપ કારીયા સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટરે જણાવ્યુ છે કે, પોલીસને બુથથી 200 મીટર દુર કોઇને રોકવાનો અધિકાર નથી. કોઇ પણ કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી કંઇપણ તમને હેરાનગતી થતી જણાય તો લીગલ ટીમ હાજર છે તેમને જાણ કરવી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી