ગુજરાતમાં પરપ્રાંતિયો સુરક્ષિત નથી – કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

ગુજરાતમાં પરપ્રાંતિયો મુદ્દે રાજકારણ ગરમાયું, પાટીલે કર્યો પલટવાર

ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતિયોને લઈને કરેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જે બાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને એકબાદ એક નિવેદનબાજીનો દોર શરૂ થયો છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાતને લઈને કરેલા નિવેદન બાદ રાજકાણમાં ગરમાવો આવી ગયો છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં ગુજરાતમાં પરપ્રાંતિયો સુરક્ષિત નથી, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.

ગુજરાતમાં મજબૂત થવા માંગતી કોંગ્રેસે હવે પ્રાંતવાદનો મુદ્દો છેડ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા બિનગુજરાતીઓ ગુજરાતમાં સુરક્ષિત ન હોવાનું નિવેદન આપીને ફસાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રઘુ શર્માને જવાબ આપ્યો અને કહ્યું કે રઘુ શર્માએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે જે બદલ ગુજરાતની જનતા સમક્ષ માફી માગવી જોઈએ.પાટીલે કહ્યું કે ગુજરાતમાં અન્ય રાજ્યના સૌથી વધુ લોકો રહે છે. અન્ય રાજ્યના લોકોને ગુજરાત રોજગારી આપે છે. ઓટલો અને રોટલો આપતું રાજ્ય છે. અહીં તમામ રાજ્યના લોકો સુરક્ષિત છે.

રાષ્ટ્રીય એકતા દિવસે જ ગુજરાત કોગ્રેસના નેતાઓને એક થવાની ટકોર મળી છે. જી હા, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદ દૂર કરવો પડશે. આ મોટી ટકોર કરી ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ. અમદાવાદના એક જાહેર કાર્યક્રમમાં રઘુ શર્માએ કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ ભાષામાં ટકોર કરી. અને કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ પાછલા 25 વર્ષથી સત્તાથી દૂર છે, અને આ એક લાંબો સમય છે. તેઓએ આહવાન કર્યું કે, કોંગ્રેસના નેતાઓ આંતરિક મતભેદ દૂર કરે અને એક થઇને ભાજપનો સામનો કરે.

જણાવી દઈએ કે મિશન 2022 માટે કોંગ્રેસે કમરકસી લીધી છે. જે અંતર્ગત 1 નવેમ્બરથી 31 માર્ચ 2022 સુધી કોંગ્રેસ તરફથી સભ્ય નોંધણી કરવામાં આવશે. ભાજપના પેજ પ્રમુખના આયોજનની સફળતાને જોતા કોંગ્રેસ, યુવા અને મહિલા મતદારોને જોડવાનું અભિયાન શરૂ કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે સભ્ય નોંધણી માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને નવા યુવા મતદારોને કોંગ્રેસમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પાંચ રૂપિયાની ફી આપી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે. નવા સભ્યોને કોંગ્રેસના વિઝનથી વાકેફ કરવામાં આવશે. સભ્ય નોંધણી ઝુંબેશમાં એક બુથમાંથી કે એક વિસ્તારમાંથી સભ્ય બને તેના બદલે દરેક જગ્યા પરથી સભ્ય બનાવવાનું નક્કી કરાયું છે. તમામ બુથ પર આગેવાનો જઈ વ્યક્તિગત રીતે સંપર્ક કરી લોકોને કોંગ્રેસમાં જોડવાનો પ્રયાસ કરશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી