September 23, 2021
September 23, 2021

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ લઈ શકે છે શપથ

તમામ MLAને હાજર રહેવા ફરમાન

ગુજરાતને નવા સીએમ ભુપેન્દ્ર પટેલ મળી ગયા છે. હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકનો દોર ચાલું છે. અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટૂ વન બેઠક કરી રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ શપથ લઈ શકે છે, જેના કારણે ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. આવતીકાલે તમામ MLAને હાજર રહેવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા બાદ એક્શનમાં આવી ગયા છે. વરસાદની સ્થિતિને લઈ તેમણે અધિકારીઓ સાથે પ્રથમ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની જાહેરાત બાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે નવું મંત્રીમંડળ. જેટલું સસ્પેન્સ અને અટકળો મુખ્યમંત્રીના નામને લઈ ચાલી રહી હતી તેટલી જ અટકળો હવે મંત્રીમંડળના સભ્યોને લઈ કરવામાં આવી રહી છે. જો કે, ભાજપની ટેવથી સૌવ કોઈ પરિચિત છે એટલે નામ કોઈ લઈ રહ્યું નથી.

અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે પણ નવા મંત્રીમંડળને લઈ ચર્ચા કરી હતી. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ બનાવવા માટે મથામણ ચાલી રહી છે. નવા મંત્રીમંડળમાં 25 જેટલા ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે. વર્તમાન મંત્રીઓમાંથી કેટલાક સિનિયર મંત્રીઓના પત્તા કપાશે જેમણે આગામી વિધાનસભાની ટિકિટ પણ નહીં આપવામાં આવે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી પદ કોઈને પણ નહીં આપવામાં આવે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. એક કે બે નાયબ મુખ્યમંત્રી બનાવવાથી પક્ષની ઈમેજને નુકસાન થઈ શકે છે ઉપરાંત સામાજિક અસંતોષ ફરીથી ભડકવાની પણ શક્યતાઓ છે. અનેક સમાજ મુખ્યમંત્રી પદ માટે દાવાઓ કરી ચૂક્યા છે. ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી બન્યા બાદ મોટા સમાજોની નાયબ મુખ્યમંત્રી પદ પર નજર છે. પરંતુ ભાજપ આવા કોઈ અસંતોષને ટાળવા માટે નાયબ મુખ્યમંત્રી નહી બનાવવાનો નિર્ણય લઈ શકે છે.

 64 ,  1