જામનગરમાં કુખ્યાત જયેશ પટેલના વિરોધી ટીના પેઢડિયા પર ફાયરિંગ, અજાણ્યા શખ્સો ગોળી મારીને ફરાર

ઇજાગ્રસ્ત હાલતમાં ટીના પેઢડિયાને સારવાર માટે ખસેડાયાઃ નાકાબંધી કરીને અજાણ્યા શખ્સોની શોધખોળ

જામનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભૂમાફિયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉપર કેટલાક શખ્સોએ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. કુખ્યાત જયેશ પટેલએ જેને પતાવી દેવાની ધમકી આપી હતી એ ટીના પેઢડિયા પર જ ફાયરિંગ થતા સનસનાટી મચી ગઇ છે. બીજી તરફ ફાયરિંગ કરનાર શખ્સોને પકડી પાડવા માટે એલસીબી, એસઓજી અને જિલ્લાભરની પોલીસ નાકાબંધીમાં લાગી ગઈ હતી.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં રહેતા અને ભુમાફીયા જયેશ પટેલના વિરોધી મનાતા જયસુખ પેઢડીયા ઉર્ફે ટીનો લાલપુર બાયપાસ નજીકથી પસાર થઇ રહયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ઉપર ફાયરીંગ કર્યુ હતું. જેમાં જયસુખ પેઢડીયાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે.

લાલપુર રોડ પર રહેતા ટીનાભાઈ પેઢડીયા આજે સવારે પોતાના ઘરેથી ઇવા પાર્ક ખાતેની પોતાની સાઇટ પર પહોંચ્યા ત્યાં જ અજાણ્યા શખ્સોએ તેની પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘુસી ગઈ હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. આ બનાવના પગલે ઘાયલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફાયરીંગ કરીને અજાણ્યા શખ્સો નાસી છુટતા પોલીસે નાકાબંધી કરીને આ શખ્સોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. ફાયરીંગની આ ઘટનાથી જામનગરમાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવની જાણ થતા જામનગર જીલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વધુ તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર