ગાંધીનગર LCB ક્રાઇમ બ્રાંચે અમદાવાદને બે આરોપીઓને દબોચી લીધા
કલોલમાં કાર થોભાવીને વેપારીની નજર ચૂકવી રૂ. 8 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરનાર અમદાવાદના બે આરોપીને LCB ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.
કડીના સોમનાથ સોસાયટીમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શન સ્ક્રેપ ગોડાઉન ધરાવતાં વેપારી બાલકૃષ્ણ રોશનલાલ કલાલ થોડાક દિવસ અગાઉ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 8 લાખની રકમ લઈને બ્રેજા કાર લઈને જતા હતા. ત્યારે સિંદબાદ બ્રિજ પાસે એક્ટિવા અને બાઇક પર આવેલા ચાર શખ્સોએ કટ મારવા બાબતે તેમની કાર રોકાવી દીધી હતી. બાદમાં વેપારીની નજર ચુકવીને આઠ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ચારેય શખ્શો ફરાર થઈ ગયા હતા. જે અંગે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચનાની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે કલોલ અંબિકા બ્રિજ નજીકથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે (રહે. સંતોષી નગરના છાપરા, કુબેર નગર) તેમજ કુણાલ ઉર્ફે તીરીયો કિરીટભાઈ ગારંગે (રહે. સુભાષનગર છાપરા, છારાનગર અમદાવાદ) હોવાની કબૂલાત કરી હતી.
દરમિયાન પ્રફુલ ઘમંડેએ કબૂલાત કરી હતી કે આજથી નવ દિવસ અગાઉ તેના અન્ય મિત્રો સની અને અમિત સાથે એમ ચારેય જણાં એકસેસ – બાઈક લઈને કલોલ આવ્યા હતા. અને સિંદબાદ બ્રિજ નજીક કટ મારવા બાબતે બાલકૃષ્ણની કાર રોકાવી માથાકૂટ કરી હતી. એ દરમિયાન કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા. જે રૂપિયા અંદરો અંદર વહેંચી લીધા હતા.
આ અંગે પીઆઈ એચ પી ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ તપાસ કરતાં એક વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે ગાડીનો કાચ તોડી બેગની ઉઠાંતરી કરેલી હતી. તેમજ અડાલજના હનુમાન મંદિર ખાતેથી પણ દોઢ લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી તેમજ ભાટ અને કલોલ ખાતેથી પણ આજ રીતે ગુના આચર્યા હતા. જેઓ ચોરીના ગુનામાં પકડાયા હોવાની પણ હકીકત બહાર આવી છે.
41 , 1