અમદાવાદ : કાલુપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, એસિડ એટેકની આપી ધમકી

યુવતીની છેડતી કરનાર બદમાશે કહ્યું, કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મારું કઇ નહીં બગાડી શકો..

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. રસ્તામાં યુવતીને રોકી બદમાશે અશ્લીલ હરકત કરી, યુવતીને એસિડ હુમલાની ધમકી આપી હતી. આ મામલે યુવતીની માતાએ ઠપકો આપતા યુવક મારામારી પર ઉતરી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કાલુપુર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

છેડતી કરનાર આરોપીએ યુવતી અને માતાને ધમકી આપતા જણાવ્યું હતું કે, હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મારું કઇ નહીં બગાડી શકો. ગાંધી રોડ પર આવેલી એક દુકાનમાં નોકરી કરતી યુવતીનો છેલ્લા કેટલાંય સમયથી બદમાશ પીછો કરતો હતો. બે દિવસ પહેલા યુવતીને રસ્તામાં રોકી ચહેરા પર સિગારેટનો ધૂમાડો ફૂંકી છેડતી કરી હતી.

યુવતીએ નોધાયેલી ફરિયાદ મુજબ, કાલુપુર વિસ્તારમાં યુવતી તેના પરિવાર સાથે રહે અને ગાંધી રોડ પર આવેલી એક દુકાનમાં નોકરી કરે છે. રાતે 8 વાગ્યે યુવતી ઘરે પરત જતી હોય છે ત્યારે એક યુવક 15 દિવસથી તેનો પીછો કરતો હતો. શનિવારે જ્યારે યુવતી ઘરે પરત જતી હતી ત્યારે તેને રોકી મોઢા પર સિગારેટનો ધુમાડો ફેંક્યો હતો. આ બાબતે જો કોઈને જાણ કરશે તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ઘરે જતી રહી હતી અને માતા-પિતાને વાત કરી હતી. ટંકશાળ રોડ પર યુવક ઉભો હતો જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા હતા.

યુવતીના પરિવારજનોએ બદમાશ યુવકને ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાળાગાળી કરી મારામારી પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન યુવક ભાગવા જતાં લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. ભાગવામાં સફળ ન થતાં બદમાશે ધમકી આપી હતી કે હું સલીમચંદનો ભાઈ છું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ છે મારું કઇ નહીં બગાડી શકો તેમ કહ્યું હતું. મહિલાએ પોલીસને જાણ કરતા કાલુપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી યુવકને પકડી પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા તેનું નામ આરીફ મન્સૂરી (ઉ.વ.40, રહે. સોદાગરની પોળ, કાલુપુર) જણાવ્યું હતું.

હાલ આ મામલે પોલીસે બદમાશ આરોપી આરીફ મન્સૂરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર