કેશોદમાં દલિત મહિલાના હાથપગ બાંધી ઢોર માર માર્યો, ગામમાં ભારેલો અગ્નિ…

આરોપીઓ મહિલાને ઢસડી ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી દીધા

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક દલિત મહિલાને બાંધીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડામાં દલિત મહિલાને પહેલા બંધક બનાવવામાં આવી હતી, ત્યારબાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાએ પોલીસને નિવેદન આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે આરોપીઓ સામે તજવીજ હાથ ધરી છે.

મહિલા સન્માન સુરક્ષાની વાતો વચ્ચે કેશોદના અગતરાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતા તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો છે.

આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે.

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પીડિત મહિલા રમાબેને જણાવ્યું હતું કે, ‘હું ખેતરમાંથી આવતી હતી ત્યારે કાનાના ઘર પાસે શ્વાને મને ઘેરી લીધી હતી જેથી મેં શ્વાનને કાઢવાની કોશિષ કરતાં તેની દીકરીઓ મારી સાથે ઝઘડી હતી. થોડી વારમાં જ કાનો આવી ગયો અને એ લોકો ઢસડી અને મને ઝૂપડાંમાં લઈ ગયા હતા.’

‘તું રોજ અમારા ઘર સામે કેમ જુએ છે એવું કહીને આ લોકોએ મને હાથપગ બાંધીને ઢોર માર માર્યો હતો. ઉપરાંતમાં એ લોકોએ અમારી જ્ઞાતિ વિશે અપમાનજકન શબ્દો કહી અને તમે બહું ફાટ્યા છો તને તો મારવી જ છે એમ કહીને માર માર્યો હતો. હું હાથપગ જોડતી રહી છતાં એલોકો મારતા રહ્યા હતા’

મહિલાને આ ઘટના બાજ ઇજા થતા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યારે ગામના 100 કરતાં વધારે દલિત સમાજના લોકો એકઠા થઈને પોલીસ મથકે ધસી જતા પોલીસે ફરિયાદ નોંધી છે. સામાજીક સમરસતાની વાતોની વચ્ચે રાજ્યના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં રોજ આવી કેટલીય ઘટનાઓ ઘટે છે ત્યારે પોલીસે આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યુ..

 621 ,  1