ખંભાતમાં સામાન્ય કર્મચારીના ઘરેથી મળી આવ્યા 3.25 કરોડ રોકડા..!

કેમિકલ ફેકટરીમાં કામ કરતાં રાજેશ પટેલના ઘરે SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી

આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા એક શખ્સના ઘરે બાતમી આધારે દરોડા પાડીને 3.25 કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડતા ચકચાર મચી છે. મહત્વનું છે કે આવી રકમ શોધવાનું કાર્ય ઈન્કમટેક્ષ વિભાગનું છે. જ્યારે આ કામ આણંદ પોલીસ એસઓજી ટીમે કરતા ઈન્કમટેક્ષ વિભાગની નિષ્ક્રિયતા છતી થઈ છે. મહત્વનું છે કે આણંદ એસઓજી પોલીસે મળેલી રકમ અંગે પરિવારના લોકોને પૂછતાં સંતોષકારક જવાબ ન મળતા એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાત શહેરમાં આવેલા ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરમાં મોટી માત્રામાં ભારતીય ચલણની ચલણી નોટો હોવાની બાતમી આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળી હતી. જે આધારે તાપસ કરી પોલીસના એસઓજી ગ્રુપના અધિકારીઓ અને જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળિયામાં રહેતા રાજેશ નગીનભાઈ પટેલના ઘરે છાપો માર્યો હતો.

ઘરમાં તાપસ દરમિયાન રૂમમાં રાખેલી તિજોરીમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણની નોટોના બંડલો મળી આવ્યા હતા. મહત્વનું છે કે એસઓજી પોલીસની આ કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ ઘરે જ નહોતા તેમજ આ ઘટના બાદ તેઓ ક્યાંક છુપાઈ ગયાની માહિતી છે.

 32 ,  1