મેઘાણીનગરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પતિ, સાસુ અને જેઠના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ

મેઘાણીનગરમાં રહેતી યુવતીએ પતિ, સાસુ અને જેઠના શારીરીક અને માનસિક ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપો કરતી ફરિયાદ મૃતક યુવતીની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અમરાઈવાડીના ઈશ્વરલીલા સોસાયટીમાં કમળાબેન દિકરી અને એક દિકરા સાથે રહે છે. 2018માં તેમની દિકરી મંજુબેનના લગ્ન મેઘાણીનગર ખાતે રહેતા કરણ સાથે કર્યા હતા. લગ્નબાદ મંજુબેન તેની સાસરિમાં રહેવા ગયા હતા. જો કે લગ્નબાદ પતિ કરણ સાસુ કંચનબેન તથા જેઠ દિનેશ અવાર નવાર મંજુબેન સાથે ઝઘડો કરી મારઝુડ કરી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન લગ્નજીવનમાં મંજુબેને એક દિકરીને જન્મ આપ્યો હતો. જો કે દિકરીના જન્મ પછી સાસુ અને પતિ અવાર નવારે મંજુબેનને નોકરી કરવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા. આવા ત્રાસથી મંજુબેન માનસિક રીતે બિમાર પડી ગયા હતા. જેથી તેમની સારવાર કરાવવાની હોય પતિ કમળાબેન પાસેથી પૈસાની માંગણી કરતો હતો. જો કે કમળાબેને પૈસા પણ આપ્યા હતા. ત્યારબાદ મંજુબેન સાથે પતિ કરણે મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી મંજુબેન તેની માતા કમળાબેનના ઘરે ગઈ હતી અને તેની માતાને જાણ કરી હતી.

જો કે ઘર સંસાર ન બગડે તે માટે મંજુને સમજાવીને સાસરિમાં પરત મોકલી આપી હતી. દરમિયાન ગુરુવારે કમળાબેનને તેમના જમાઈ કરણનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, મંજુએ ઘરમાં પંખા સાથે સાડીનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેથી કમળાબેન દિકરીની સાસરીમાં ગયા હતા. બીજી બાજુ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક મંજુના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યો હતો.

ત્યાર બાદ કમળાબેને મૃતક દિકરી મંજુના પતિ કરણ વણઝાર, સાસુ કંચન વણઝારા અને જેઠ દિનેશ વણઝારના શારીરીક અને માનસિક ત્રાસથી તંગ આવીને મંજુએ આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરતી ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 60 ,  1